મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી શરૂ કરી,ગઠબંધન અંગે શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસે તૈયારીઓ શરૂ

ગુજરાતમાં કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી શરૂ કરી,ગઠબંધન અંગે શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઠબંધનને લઇને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. 

શું કોંગ્રેસ ગઠબંધન કરશે?

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગઠબંધન અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું, કોઇપણ પાર્ટીનું રાજ્યસ્તરે ગઠબંધન અંગે પ્રસ્તાવ આવ્યો નથી. સ્થાનિક સંગઠનની માંગ મુજબ ગઠબંધન અંગે ચર્ચા કરીશું. રાજ્ય સ્તરે કોઇપણ પાર્ટી સાથે ગઠબંધન અંગે ચર્ચા થઇ નથી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, ચૂંટણી અંગે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ચર્ચા કરીશું. મહત્ત્વપૂર્ણ છે કે આમ આદમી પાર્ટીના ગુજરાતાન પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની વાત કરી હતી.

મુકુલ વાસનિક ગુજરાત પહોંચ્યા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પહોંચ્યા છે. પ્રદેશ કાર્યાલયે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે બેઠક મળશે. પ્રદેશ પ્રભારીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને નિવેદન પણ આપ્યું હતું. મુકુલ વાસનિકે કહ્યું કે ઘણા સમયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે. સાથી પક્ષો સાથે ગઠબંધનનો નિર્ણય સ્થાનિક નેતાઓ કરશે. ગઠબંધન અંગેના નિર્ણયમાં સ્થાનિક નેતાઓની ભૂમિકા મહત્ત્વની રહેશે.

આ સાથે જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું કે, કોંગ્રેસને લોકોનું સમર્થન મળી રહેશે એવો વિશ્વાસ છે.લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય નેતાઓ નિર્ણય લેતા હોય છેસ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં સ્થાનિક નેતાઓ નિર્ણય લેશે.

કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા AAP તૈયાર- ઇસુદાન ગઢવી

ઇસુદાન ગઢવીએ કોંગ્રેસ સાથે ગઠબંધનની તૈયારી હોવાનું નિવેદન આપ્યું હતું. ઇસુદાન ગઢવીના નિવેદન પર ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. લલિત વસોયાએ કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ગઠબંધન નક્કી કરશે. કોંગ્રેસે ગઠબંધન વગર એકલા હાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવી જોઇએ.

વિધાનસભા 2027ની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી જીવંત થવાની છેલ્લી તક

ફેબ્રુઆરી 2017માં જ્યારે છેલ્લી વખત નગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી ત્યારે કોંગ્રેસે બોરિયાવી, ઓડ, લુણાવાડા, તલોદ, રાધનપુર, ઝાલોદ, દેવગઢ બારિયા, છોટા ઉદેપુર (BSP સાથે), સલાયા, માણાવદર, વિસાવદર, વંથલી, ચોરવાડ, રાજુલા, ધોરાજી, ભાયાવદર, કૂતિયાણા, વાંકાનેર, ખેડબ્રહ્મા, પારડી નગરપાલિકા જીતી હતી.

આ પણ વાંચો: ગુજરાતનું ગૌરવઃ 9 પોલીસ અધિકારી-જવાનોને રાષ્ટ્રપતિ પદકથી સન્માનીત કરાશે

6 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ

ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: 1 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ: 3 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ: 4 ફેબ્રુઆરી 2025
મતદાનની તારીખ: 16 ફેબ્રુઆરી 2025 (રવિવાર)
મતદાનનો સમય: સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
મતગણતરીની તારીખ: 18 ફેબ્રુઆરી 2025 (મંગળવાર)

આ સમાચાર શેર કરો