અમદાવાદ: DEOની મંજૂરી વિના વિદ્યાર્થીઓને કરાવ્યો પ્રવાસ, હવે ફટકારાઈ નોટિસ
વડોદરા હરણી બોટ દુર્ઘટનાને હજી લોકો ભૂલ્યા નથી ત્યાં અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી

વડોદરા હરણી બોટ દુર્ઘટનાને હજી લોકો ભૂલ્યા નથી ત્યાં અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી છે. શાળાએ ડીઈઓની મંજૂરી વિના પ્રવાસનું આયોજન કર્યું હતું. ત્યારે હવે આ મામલે ડીઈઓના સકર્યુલરનો અનાદર કરતા શાળાને નોટિસ ફટકારવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં સ્થિત સેવન્થ ડે સ્કૂલે ડીઈઓની પરમિશન વગર વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ ગયા હતા. સેવન્થ ડે સ્કૂલ દ્વારા ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓને વોટરપાર્કમાં પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે, સ્કૂલ પ્રશાસને DEOની કોઈ મંજૂરી લીધી નથી, જેના કારણે સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. મંજૂરી નહીં લેવા બાબતે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળાને નોટિસ ફટકારાઈ છે.
તમને જણાવી દઈએ કે હરણી દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા શાળાના કોઈ પ્રવાસના આયોજન પર રોક લગાવી દેવામાં આવી હતી. આ સાથે જે શાળાઓએ પ્રવાસનું આયોજન કરવાનું હોય તેઓએ DEOની મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી હતી. પરંતુ અમદાવાદના મણિનગર વિસ્તારની સેવન્થ ડે સ્કૂલ દ્વારા ડીઈઓની મંજૂરી લીધા વિના પ્રવાસનું આયોજન કર્યું હતું. DEOના સર્ક્યુલરનો અનાદર કરતા અમદાવાદની આ શાળાને નોટિસ પાઠવવામાં આવી છે. પ્રવાસ બાદ કેટલાક વિદ્યાર્થીઓનું આરોગ્ય બગડ્યું હોવાનું પણ સામે આવ્યું છે.






