મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: રમતા- રમતા સાત વર્ષનું બાળક ખુલ્લી ટાંકીમાં પડ્યું, શ્વાસ રૂંધાઈ જતાં થયું મોત

જગતપુરમાં આવેલા સેવન્થ બ્લિઝ ફ્લેટ્સમાં સાત વર્ષના માસૂમ બાળકનું રમતાં-રમતાં એપ

Ahmedabad: રમતા- રમતા સાત વર્ષનું બાળક ખુલ્લી ટાંકીમાં પડ્યું,  શ્વાસ રૂંધાઈ જતાં થયું મોત

જગતપુરમાં આવેલા સેવન્થ બ્લિઝ ફ્લેટ્સમાં સાત વર્ષના માસૂમ બાળકનું રમતાં-રમતાં એપાર્ટમેન્ટની પાણીની ખુલ્લી ટાંકીમાં પડી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. એપાર્ટમેન્ટમાં મેઈનટેનન્સની જવાબદારી બિલ્ડર વિષ્ણુ ઠક્કર પાસે છે અને પાણીની ટાંકીનું ઢાંકણઉં ખુલ્લુ અને તૂટેલું હતું એવી આક્રોશભરી રજૂઆતો સ્થાનિકોએ પોલીસને કરી હતી. ચાંદખેડા પી.આઈ.નું કહેવું છે કે, સાત વર્ષના દર્શન પટેલ નામના બાળકના મૃત્યુ પાછળ મેઈન્ટેનન્સ જેમના શિરે છે તેવા બિલ્ડર સેવન્થ બ્લિઝ ગ્રુપમાં કોઈની બેદરકારી છે કે કેમ તે અંગે તપાસ કરી કાર્યવાહી કરાશે. 

ચાંદખેડાના જગતપુર વિસ્તારમાં આવેલા સેવન્થ બ્લિઝ ફ્લેટ્સના કમ્પાઉન્ડમાં સોમવારે સાંજે 7:30 વાગ્યાના અરસામાં બાળકો રમી રહ્યાં હતાં. તેમાં સાત વર્ષનો દર્શ રવિભાઈ પટેલ અચાનક જ એપાર્ટમેન્ટની પાણીની ટાંકીમાં ઢાંકણું ખુલ્લું હોવાથી તેમાં ગરકાવ થઈ ગયો હતો. દર્શ પાણીની ટાંકીમાં પડી ગયો હતો. દર્શ પાણીની ટાંકીમાં પડી ગયો હોવાની જાણ અન્ય બાળકોએ કરતાં સ્થાનિક રહીશો દોડી ગયા હતા અને દર્શને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયો હતો. માસૂમ બાળકના શરીરમાં પાણી જતું રહેવાથી શ્વાસ રૂંધાઈ જતાં મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સેવન્થ બ્લિઝ ફ્લેટ્સના રહીશોમાં આક્રોશ ફેલાયો હતો. સોસાયટીમાં પાણીના ટાંકાનું ઢાંકણું ખુલ્લુ હોવાની જાણ મેઈન્ટેનન્સની જવાબદારી સંભાળતા બિલ્ડરને કરવામાં આવી હતી. આમ છતાં, નવું ઢાંકણું ન નખાતાં એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યાનો આક્રોશ સ્થાનિક રહીશોમાં પ્રવર્તી રહ્યો છે. 

બીજી તરફ, ચાંદખેડા પોલીસે દર્શ પટેલના મૃત્યુ અંગે એ.ડી.નોંધી તપાસ શરૂ કરી છે. પી.આઈ.નિકુંજ સોલંકીએ જણાવ્યું કે, રવિ ગોતાની એપોલો સ્કૂલમાં સિનિયર કે.જી.માં અભ્યાસ કરતો હતો. તેના પિતા રવિભાઈ લિફ્ટ કંપનીમાં ટીમ લિડર તરીકે કાર્યરત છે. 

સોમવારે સાંજે બાળકો રમતાં હતાં ત્યારે આ કરૂણ ઘટના બની હતી. સ્થાનિક રહીશોએ એવી રજૂઆત કરી છે કે, આ એપાર્ટમેન્ટમાં મેઈન્ટેનન્સની જવાબદારી બિલ્ડર સેવન્થ બ્લિઝ ગ્રુપ પાસે છે. આ બિલ્ડર ગ્રુપના મુખ્ય સંચાલક તરીકે વિષ્ણુભાઈ ઠક્કર હોવાની પ્રાથમિક વિગતો મળી છે. જો કે, આ ફ્લેટમાં મેઈન્ટેનન્સની જવાબદારી કોની છે તેની તપાસ ચાલી રહી છે. બાળક દર્શ પટેલની અંતિમવિધી માટે તેનો પરિવાર તેમના વતન પાટણ ગયો હતો. પરિવાર પરત ફરશે ત્યાં સુધીમાં પોલીસ ટીમ સેવન્થ બ્લિઝ એપાર્ટમેન્ટમાં મેઈન્ટેનન્સની જવાબદારી કોની તે નિશ્ચિત કરવા સાથે જ પાણીની ટાંકીનું ઢાંકણું લગાવવા માટેની રજૂઆતો છતાં બિલ્ડર ગ્રુપમાંથી કોની બેદરકારી છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. મૃતક બાળકના પરિજનો પરત ફરે તે પછી તેમની રજૂઆત અનુસાર ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવા માટે પોલીસે તત્પરતા દર્શાવી છે. 

આ સમાચાર શેર કરો