સુરતના MLA કાનાણીના ભત્રીજા સામે ગંભીર આક્ષેપ, પુરાવા વગર રૂપિયાની પઠાણી કરી અપાય છે ધમકી
સુરતની વરાછા વિધાનસભા બેઠકના દબંગ છાપ ધરાવતા ધારાસભ્ય કુમાર કાનાણી ફરી ચર્ચામાં આવ્યાં છે. આ વખતે ભત્રીજા નિ

સુરતની વરાછા વિધાનસભા બેઠકના દબંગ છાપ ધરાવતા ધારાસભ્ય કુમાર કાનાણી ફરી ચર્ચામાં આવ્યાં છે. આ વખતે ભત્રીજા નિકુલ કાનાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે મિતુલભાઈ ઈશ્વરભાઈ બુધેલીયાએ પ્રયાસ કર્યો છે. મિતુલભાઈએ આરોપ લગાવ્યો છે કે નિકુલ કાનાણી વ્યાજ પર ધિરાણનો વ્યવસાય ચલાવે છે. તેમણે આશરે સાત વર્ષ પહેલા મિતુલભાઈના સંબંધીને ત્રણ લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા.
ધારાસભ્ય પર આક્ષેપ
નિકુલ કાનાણી કોઈ લેખિત પુરાવા વગર રકમની ઉઘરાણી અન્ય વ્યક્તિ દ્વારા કરાવી રહ્યા છે અને મિતુલભાઈને પરેશાન કરી રહ્યા છે. મિતુલભાઈનો દાવો છે કે જ્યારે તેઓ વરાછા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતાં. ત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નિષ્ફળ રહી. તેમણે આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય કુમાર કાનાણી તેમના ભત્રીજાને બચાવવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે.
ધમકીઓનો આક્ષેપ
મિતુલભાઈનું કહેવું છે કે નિકુલ કાનાણી દ્વારા તેમને ખોટી FIR કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી છે. જો ત્રણ ફરિયાદો થશે તો ગુજસીટોકની કલમ લાગુ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાથી, મિતુલભાઈએ સુરત પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી છે. હાલ, આ મામલે કોઈ સત્તાવાર કાર્યવાહી થઈ હોવાનું જાણવા મળ્યું નથી.








