રાજકોટમાં R&B વિભાગનો સિનિયર ક્લાર્ક 5000ની લાંચ લેતા ઝડપાયો
રાજકોટમાં વધુ એક સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગની

રાજકોટમાં વધુ એક સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં ACBએ છટકું ગોઠવ્યું હતું. જેમાં R&B વિભાગનો સિનિયર ક્લાર્ક રવિ રાજુ મજેઠીયા 5000ની લાંચ લેતા ઝડપાયો છે.
ફરિયાદીએ સરકારી ક્વાર્ટરમાં મેળવવા 5 મહિના પહેલા અરજી કરી હતી. ક્વાર્ટર ઉપલબ્ધ ન હોવાથી ફરિયાદીને મકાન ભાડું મેળવવા પ્રમાણપત્રની જરૂર હતી. પ્રમાણપત્ર આપવાની લાંચની માંગણી કરી હતી.
ફરીયાદી રાજકોટમાં નોકરી કરે છે જેથી તેમને સરકારી કવાર્ટર મેળવવા માર્ગ અને મકાન વિભાગ રાજકોટ શહેરમાં પાંચેક માસ પહેલા કવાર્ટર માટેની અરજી કરી હતી. પરંતુ હાલ સુધી તેઓને કવાર્ટર ફાળવવામાં નહી આવતા પોતાને સરકારના ધારાધોરણ મુજબ મકાનભાડુ મેળવવા માટે ‘રાજકોટ ખાતે સરકારી કવાર્ટર ઉપલબ્ધ નથી’ તેવું પ્રમાણપત્ર માર્ગ અને મકાન વિભાગની કચેરીમાંથી મેળવી પોતાના ખાતાના વડાને આપવાનું હતું. જેથી ફરીયાદીએ સિનિયર ક્લાર્ક રવિ રાજુ મજેઠીયાનો રૂબરૂ સંપર્ક કર્યો હતો. ક્લાર્ક રવિ રાજુ મજેઠીયાએ આ પ્રમાણપત્ર આપવાના અવેજ પેટે રૂ.5000/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. જેના આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન સિનિયર ક્લાર્ક રવિ રાજુ મજેઠીયા ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ 5000/- ફરીયાદી પાસેથી માંગી સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. જે બાદ સિનિયર ક્લાર્ક રવિ રાજુ મજેઠીયાની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.






