ગોધરાકાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવાઇ, SITના રિપોર્ટ બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
ગોધરાકાંડના સાક્ષીઓની સુરક્ષા હટાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય ગૃહમંત્રાલયની ભલામણ બાદ લીધો છે

ગોધરાકાંડના સાક્ષીઓની સુરક્ષા હટાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય ગૃહમંત્રાલયની ભલામણ બાદ લીધો છે. સુત્રો અનુસાર, કૂલ 14 સાક્ષીઓની સુરક્ષા પરત લેવામાં આવી છે. CISFના 150 જવાનો આ સાક્ષીઓની સુરક્ષા કરતા હતા.
ગોધરાકાંડના સાક્ષીઓની સુરક્ષા હટાવાઇ
ગૃહમંત્રાલયે આ નિર્ણય માટે વિશેષ તપાસ ટીમ (SIT)ના રિપોર્ટને આધાર બનાવ્યો છે. SITએ 10 નવેમ્બર 2023માં પોતાનો ભલામણ રિપોર્ટ સોપ્યો હતો જેમાં સાક્ષીઓની સુરક્ષા હટાવવાનું સૂચન આપવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ પગલુ ભરવામાં આવ્યું છે.
આ 14 સાક્ષીઓની સુરક્ષા હટાવાઇ
ગોધરાકાંડના જે 14 સાક્ષીઓની સુરક્ષા હટાવવામાં આવી છે તેમાં હબીબ રસૂલ સય્યદ, અમીનાબેન હબીબ રસૂલ સૈયદ, અકીલાબેન યાસીનમિન, સૈયદ યૂસુફભાઇ, અબ્દુલભાઇ મરિયમ અપ્પા, યાકુબભાઇ, રઝાકભાઇ, અખ્તર હુસૈન, નઝીમભાઇ સત્તારભાઇ, માજિદભાઇ શેખ, યાનુશ મહમદ, હાજી મયુદ્દીન, સમસુદ્દીન ફરીદાબાનુ, સમસુદ્દીન મુસ્તફા ઇસ્માઇલ, મદીનાબીબી મુસ્તફા અને ભાઇલાલભાઇ ચંદુભાઇ રાઠવા સામેલ છે.
ગોધરાકાંડમાં શું થયું હતું?
ગોધરાકાંડને 23 વર્ષ પૂર્ણ થયા છે. ફેબ્રુઆરી 2002માં સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બામાં આગ લાગ્યા બાદ 59 કાર સેવકોના મોત થયા હતા. જે બાદ દેશભરમાં સાંપ્રદાયિક રમખાણ ભડકી ગયા હતા. આ ઘટના બાદ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક તપાસ પંચની રચના કરી હતી. પંચમાં ન્યાયમૂર્તિ જીટી નાણાવટી અને ન્યાયમૂર્તિ કેજી શાહ સામેલ હતા. આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું કે માર્યા ગયેલા 59 લોકોમાંથી મોટાભાગના કાર સેવક ઉત્તર પ્રદેશના અયોધ્યાથી પરત ફરતા હતા.








