Ahmedabad news: બેફામ બનેલા ડમ્પરચાલકો સામે છ ગામના સરપંચો આક્રમક બન્યા, ઉગ્ર આંદોલન કરવાની આપી ચિમકી
પોલીસ અને ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ હાલ ગુજરાતમાં ભૂમાફિયાઓને ખનન કરવાનો

પોલીસ અને ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ હાલ ગુજરાતમાં ભૂમાફિયાઓને ખનન કરવાનો જાણે છૂટો દોર મળી ગયો છે. ઝડપાઇ જવાના ડરે ચાલકો બેફામ સ્પીડે ડમ્પર ચલાવી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્યના નળકાંઠા વિસ્તારમાં બેફામ દોડતા અને કાયદાનું ઉલ્લંઘન કરતા ગેરકાયદેસર ડમ્પરોએ વધુ એક નિર્દોષ જિંદગી છીનવી લેતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. યુવાન ડોક્ટર યશ ઝાપડિયાના કમકમાટીભર્યા મોત બાદ આજે 'નળકાંઠા'ના યુવાનો અને વિવિધ ગામના સરપંચો લાલઘૂમ થયા છે અને તંત્ર સામે આક્રમક લડતના મંડાણ કર્યા છે.
સરપંચો અને યુવા સંગઠન મેદાને
આ મામલે વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષની આગેવાનીમાં મોટી સંખ્યામાં યુવાનો અને છ ગામના સરપંચો બાવળા મામલતદાર કચેરીએ ઉમટી પડ્યા હતા. તેમણે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે કેરાળા થી નળસરોવર સુધીના માર્ગ પર રાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ગેરકાયદેસર ડમ્પરો દોડી રહ્યા છે અને મોટા પાયે ગેરકાયદે માટી ખનન ચાલી રહ્યું છે. જેમાં દહેગામડા, મેટાલ, છબાસર, દેવ ધોલેરા, બલદાણા, કેસરડી ગામના સરપંચોએ લેટરપેડ પર લેખિતમાં રજૂઆત કરી હતી.
યુવાનો સ્વયંભૂ રસ્તા પર ઉતરી આવશે, ગામલોકોની ચીમકી
આવેદનપત્રમાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે 'જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રોયલ્ટી વગરના અને ગેરકાયદેસર ડમ્પરો પર રોક લગાવવામાં નહીં આવે, તો નળકાંઠાના યુવાનો સ્વયંભૂ રસ્તા પર ઉતરી આવશે અને આ ડમ્પરોને અટકાવશે. જો યુવાનો દ્વારા ડમ્પરો રોકવાની કામગીરી દરમિયાન કોઈ અઘટિત ઘટના બનશે કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસશે, તો તેની સંપૂર્ણ જવાબદારી શાસન અને વહીવટી તંત્રની રહેશે.'
મુખ્ય માંગો કઈ?
રાષ્ટ્ર યુવા અધ્યક્ષ વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘે માગ કરી છે કે ગેરકાયદેસર માટી ખનન અને રોયલ્ટી વગર દોડતા ડમ્પરો પર કાયમી પ્રતિબંધ મુકવામાં આવે, ઓવરસ્પીડ અને બેફામ ડ્રાઇવિંગ કરતા ચાલકો સામે કડક પોલીસ કાર્યવાહી તેમજ નિર્દોષ નાગરિકોના જીવ લેતા ડમ્પર માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે, ગ્રામજનોના આ આક્રોશ બાદ નિષ્ઠુર બનેલું તંત્ર જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે?






