અમદાવાદ / જગન્નનાથજી મંદિરે મહંત દિલીપદાસજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયું સંસ્કૃત જનપદ સંમેલન
સંસ્કૃત ભારતી કર્ણાવતી દ્વારા જમાલપુર સ્થિત ભગવાન જગન્નનાથ મંદિરે મહંત દિલીપદાસજી મ

સંસ્કૃત ભારતી કર્ણાવતી દ્વારા જમાલપુર સ્થિત ભગવાન જગન્નનાથ મંદિરે મહંત દિલીપદાસજી મહારાજની અધ્યક્ષતામાં સંસ્કૃત જનપદ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત જનપદ સંમેલનના પ્રારંભમાં પારંપરિક રીતે ગજ, ગૌ અને તુલસી માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. પ્રાતઃકાલે સવારે 9:00 વાગે ગજ, ગૌ અને તુલસી માતાનું પૂજન દર્શનાર્થીઓની સાથે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને અન્ય આમંત્રિત અતિથિઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત અમદાવાદના જનપદ સંમેલનનું પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયું હતું.ત્યાર પછી સંસ્કૃત ભારતીના અમદાવાદ મહાનગરના અધ્યક્ષ રામ કિશોર ત્રિપાઠીએ મંચસ્થ મહાનુભાવોનો પરિચય આપતા વાક્ય સુમનથી સમાગત અતિથિઓનું સ્વાગત કર્યું હતું. તુલસી અને પુસ્તક દ્વારા અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ, જગન્નાથ મંદિરના મહંત પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજે સભામાં ઉપસ્થિત અમદાવાદ જનપદના નાગરિકોને આશીર્વાદ આપતા કહ્યું હતું કે પુસ્તક અને તુલસીને ભેટ સ્વરૂપે આપવાની પરંપરા સમાજના લોકો માટે પ્રેરક છે.
પહેલા નગરવાસીઓ સાથે વનવાસીજનો પણ શુદ્ધ સંસ્કૃતમાં વાર્તાલાપ કરતા હતા - કૃષ્ણપ્રસાદ નિરોલા
કાર્યક્રમમાં મુખ્ય વક્તા, સંસ્કૃત ભારતીના ગુર્જર પ્રાંતના અધ્યક્ષ કૃષ્ણપ્રસાદ નિરોલાએ કહ્યું હતું કે પ્રાચીન કાળમાં સમગ્ર દેશની જનભાષા સંસ્કૃત ભાષા હતી. માત્ર નગરવાસીઓ જ નહીં પણ વનવાસીજનો પણ શુદ્ધ સંસ્કૃતમાં વાર્તાલાપ કરતા હતા. આ વાતને પુષ્ટ કરતા તેમણે સીતાજીની શોધમાં રામને વનવાસી હનુમાનજીની શુદ્ધ સંસ્કૃતમાં સંવાદની પ્રશંસા કરતા શ્રીરામનું દ્રષ્ટાંત આપ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે દેશમાં એકમાત્ર સંસ્કૃત ભાષા જ અન્ય ભાષાના માધ્યમથી ભણાવવામાં આવે છે જે અનુચિત છે અને સંસ્કૃત ભાષામાં સંભાષણ કરવાનું સામર્થ પણ થતું નથી, માટે શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન થવું જોઈએ તેમણે લોકોને સંસ્કૃતમાં સંભાષણ કરવા માટે પ્રેરિત કર્યા હતા.
આંબેડકરજી ઇચ્છતા હતા કે સંસ્કૃત ભાષા આ દેશની રાષ્ટ્રભાષા બને - ભાનુભાઈ ચૌહાણ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુર્જર પ્રાંતના કાર્યકારિણી સદસ્ય ભાનુભાઈ ચૌહાણે સભાને સંબોધતા માનનીય બાબાસાહેબ આંબેડકરજીના નિવેદનને સ્મરણ કરતા જણાવ્યું કે તેઓ ઇચ્છતા હતા કે સંસ્કૃત ભાષા આ દેશની રાષ્ટ્રભાષા બને અને શિક્ષણમાં સંસ્કૃતને પ્રધાનતા આપવામાં આવે. સંસ્કૃત એ સ્વ સાથે જોડાયેલી ભાષા છે અને જ્ઞાન વિજ્ઞાનની ભાષા છે.
સંસ્કૃત આપણને આપણી સંસ્કૃતિથી જોડે છે - અમીબેન ઉપાધ્યાય
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ.ના કુલપતિ ડોક્ટર અમીબેન ઉપાધ્યાયે સભાને સંબોધતા કહ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ.માં સંસ્કૃત માધ્યમથી સંસ્કૃત ભણાવવામાં આવે છે અને સંસ્કૃત ભાષાનો પ્રચાર કરવા માટે અન્ય પ્રયોગો પણ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતને સમજવા માટે સંસ્કૃત જાણવી અને સમજવી બહુ જ આવશ્યક છે. સંસ્કૃત આપણને આપણી સંસ્કૃતિથી જોડે છે.
સંસ્કૃતમાં નૃત્ય, ગરબા, ગીતો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શની
આ સંસ્કૃત સંમેલનમાં સંસ્કૃતમાં નૃત્ય, ગરબા, ગીતો અને હાસ્યથી સભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત સંમેલનનું બીજું મુખ્ય આકર્ષણ કેન્દ્ર હતું સંસ્કૃત ગ્રંથોમાં અંતર્નિહિત વિજ્ઞાન અને ગણિત ક્ષેત્રની સિદ્ધિઓની પ્રદર્શની. કાર્યક્રમની માહિતી આપતા સંસ્કૃત ભારતીના અમદાવાદના પ્રચાર પ્રમુખ સુકુમાર ત્રિવેદીએ જણાવ્યું હતું કે જન માનસમાં સંસ્કૃત પ્રત્યે જે ભ્રમ છે કે સંસ્કૃત ભાષા અઘરી છે તે દૂર કરવા માટે અને સંસ્કૃત ભાષા પ્રત્યે લોકોની રુચિ વધે અને લોકો સંસ્કૃતમાં વાર્તાલાપ કરવા માટે સમર્થ બને તે હેતુથી આ સંસ્કૃત સંમેલનોનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમનું સંચાલન રાજેન્દ્ર મહેતાએ કર્યું હતું અને આશિષ દવે દ્વારા ધન્યવાદ જ્ઞાપન કરવામાં આવ્યું હતું. આ રીતે ભગવાન જગન્નાથજીના પ્રસાદ સાથે આ કાર્યક્રમનું આયોજન સંપન્ન થયું.








