Sanand: બાવળા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પોલીસકર્મીનું નિધન
બાવળા-બગોદરા હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા

બાવળા-બગોદરા હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. ગંભીરસિંહ દાનુંભા સોલંકીનું દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાને કારણે સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
લોડિંગ ટેમ્પો પલટી જતાં અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, એ.એસ.આઈ. ગંભીરસિંહ સોલંકી અને ટેમ્પો ચાલક બાવળાથી બગોદરા તરફ એક લોડિંગ ટેમ્પોમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ભાયલા ગામ પાસે ટેમ્પોએ અચાનક પલટી મારી હતી. અકસ્માતમાં ટેમ્પો ચાલક અને પોલીસકર્મી ગંભીરસિંહ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બંને ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે બાવળાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન ફરજ પરના પોલીસકર્મી ગંભીરસિંહ સોલંકીનું મોત નીપજ્યું હતું.
પોલીસ બેડામાં શોકની લાગણી
એ.એસ.આઈ. ગંભીરસિંહ સોલંકીના અચાનક અને દુઃખદ નિધનથી બગોદરા પોલીસ સ્ટેશન સહિત સમગ્ર પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ બગોદરા અને કેરાળા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક પોલીસકર્મીનું પોસ્ટમોર્ટમ બાવળાના આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું.
વતનમાં 'ગાર્ડ ઓફ ઓનર' સાથે અંતિમ વિધિ
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૃતક એ.એસ.આઈ. ગંભીરસિંહ સોલંકીના પાર્થિવ દેહને તેમના વતન ધંધુકાના હડાળા ગામે લઈ જવામાં આવશે. ત્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.







