CHHOTA UDEPUR : કવાંટમાં યુવકની ગોળી મારી હત્યા કરનાર રિટાયર્ડ આર્મી જવાનની ધરપકડ
Chhota Udepur News : છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદી ગામે યુવકની ગોળી મારીને હત્યા કરનાર ર

Chhota Udepur News : છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદી ગામે યુવકની ગોળી મારીને હત્યા કરનાર રિટાયર્ડ આર્મી જવાનની બાર બોરની બે નાળીવાળી બંદૂક સાથે ધરપકડ કરવામાં આવી છે.
લાયસન્સવળી બંદૂકથી જ મારી ગોળી
પિપલદી ગામના રિટાયર્ડ આર્મી શંકર સંજયભાઈ રાઠવા વર્ષ 2020માં આર્મીમાં ફરજ બજાવી રિટાયર્ડ થયો હતો. આ આર્મી જવાને રિટાયર્ડ થયા બાદ આત્મ સરક્ષણ માટે બંદૂક રાખવાનું લાયસન્સ લીધું હતું. આ લાયસન્સવળી બંદૂકથી જ તેણે પિપલદી ગામના 33 વર્ષીય કુલદીપ જામસીંગ રાઠવાની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં આર્મી જવાનનો ભાઈ અમલા રાઠવા પણ સામેલ હતો, જે ફરાર છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પોલીસે BNSની કલમો સાથે આર્મ્સ એક્ટની કલમ હેઠળ હત્યાનો ગુનો નોંધી આરોપી રિટાયર્ડ આર્મી શંકર સંજયભાઈ રાઠવાની ધરપકડ કરી છે.
મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે વડોદરા મોકલાયો
હત્યાની આ ઘટનામાં મૃતક યુવકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે કવાંટથી વડોદરાની SSG સિવિલ હોસ્પિટલ માટે મોકલવામાં આવ્યો છે. આ ઘટનામાં મૃતક યુવક રાજકીય પાર્ટીના આગેવાનનો ભત્રીજો છે, માટે તપાસમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે ફોરેન્સિક પીએમ માટે વડોદરા મોકલવામાં આવ્યો છે. મૃતક યુવકના પેટના ભાગે ડાબી બાજુ ગોળી વાગી હોવાનું ડોકટરે જણાવ્યું હતું
ગ્રામપંચાયતની ચૂંટણીમાં થઈ હતી બબાલ
મૃતક કુલદીપ રાઠવા ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાનો ભત્રીજો છે. થોડા સમય પહેલા ગ્રામપંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલના પગલે હત્યા થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. બે વર્ષ પહેલા પિપલદી ગ્રામપંચાયતની ચૂંટણીમાં આરોપી શંકર ચૂંટણી હારી ગયો હતો, ત્યારથી અવારનવાર મૃતકના ઘરે આવીને મારી નાખવાની ધમકી આપતો હતો.








