સુરતમાં કિશોરી આપતી વારંવાર આત્મહત્યાની ધમકી, દીકરીની વાતથી પરિવાર રહેતું ચિંતામાં
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 15 વર્ષીય કિશોરી વારંવાર આત્મહત્યા કરવાન

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 15 વર્ષીય કિશોરી વારંવાર આત્મહત્યા કરવાની ધમકીઓ આપતી હતી, જેના કારણે પરિવારજનો ગભરાઈ ગયા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે પરિવારજનોએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. હેલ્પલાઇન ટીમે ઘટનાસ્થળે પહોંચી અને કિશોરી સાથે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરીને જીવનનું મુલ્ય સમજાવ્યું હતું.
પરિવાર રહેતો તણાવમાં
કિશોરીના પરિવારજનોએ અભયમ ટીમને જણાવ્યું હતું કે, કિશોરી ઘરેથી અવારનવાર અજાણ્યા સ્થળે નીકળી જતી હતી અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરાયો ત્યારે, આત્મહત્યા કરવાની ધમકીઓ આપતી હતી. તેના માતા-પિતા મુંબઈમાં રહે છે અને અગાઉ કિશોરી પણ તેમની સાથે ત્યાં જ રહેતી હતી. માતા-પિતાએ તેનો અભ્યાસ સુધરે અને વર્તનમાં બદલાવ આવે તે માટે વિવિધ પ્રયાસો કર્યા હતા, પરંતુ કિશોરીના અસ્વસ્થ માનસિક સ્વભાવને કારણે તેનો પરિવાર તણાવમાં રહેતો હતો.
જીવનને દિશા મળી
અભયમ ટીમની કિશોરી સાથે શાંતિપૂર્ણ વાતચીત કરી, જ્યાં કિશોરીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી. કિશોરીએ જણાવ્યું કે, તે પોતાના માતા-પિતાની સાથે રહેવા માગતી નથી અને એકલા રહેવા ઈચ્છે છે. ટીમે કિશોરીને સમજાવ્યું કે, તેની ઉંમર તથા જીવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વિચાર યોગ્ય નથી. તેઓએ કિશોરીને જીવનની મૂલ્યવાનતા વિશે સમજાવ્યું અને આત્મહત્યાને કોઈ સમસ્યાનું નિરાકરણ નહીં હોવાનો મેસેજ આપ્યો હતો.કિશોરીના પરિવારજનોએ જણાવ્યું કે, અભયમ ટીમની સહાનુભૂતિપૂર્ણ અને વ્યાવસાયિક કામગીરીના કારણે આજે તેમના પરિવારને નવા જીવનની આશા મળી છે. અભયમ ટીમ દ્વારા આ કૌશલ્યપૂર્ણ કાર્યના પરિણામે એક યુવા જીવનને નવી દિશા મળી અને પરિવારમાં સુખદ શાંતિ સ્થાપિત થઈ હતી.








