મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્કને RBI એ ફટકાર્યો રૂ. 25 લાખનો દંડ
રિઝર્વ બેન્કે આપેલા આદેશોનું પાલન ન કરવા બદલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ મહેસાણા અર્બન કોઓપરેટીવ

રિઝર્વ બેન્કે આપેલા આદેશોનું પાલન ન કરવા બદલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્કને રૂ. 25 લાખનો દંડ કર્યો છે. અસ્ક્યામતોના વર્ગીકરણ, એનપીએ સામે જોગવાઈ કરવામાં નિયમિતતા ના દાખવવા બદલ તેને લગતી અન્ય બાબતો માટે બેન્કને દંડ કરવામાં આવ્યો છે. મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્કને કરવામાં આવેલો આ મોટામાં મોટી રકમનો દંડ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1961ની કલમ અને 46(4) (1) સાથે વંચાણે લેવામાં આવતી કલમ 47એ (1) હેઠળ મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્કને દંડ કરવામાં આવ્યો છે.
નોન પરફોર્મિંગ એસેટ્સ બની ગયેલા ખાતાઓને એનપીએ ખાતા તરીકે ન દેખાડનાર મહેસાણાની બેન્ક સામે કડક કાર્યવાહી
બેન્કમાંથી લોન લેનારી કેટલીક વ્યક્તિઓના ખાતા એનપીએ થઈ ગયા હોવા છતાંય તેમના ખાતાને એનપીએમાં ગણાવવામાં આવ્યું જ નહોતું. રિઝર્વ બેન્કના અધિકારીઓએ મહેસાણા અર્બન નાગરિક સહકારી બેન્કના કાયદેસર કરેલા ઈન્સપેક્શનમાં જાણવા મળ્યું હતું કે બેન્કના મેનેજમેન્ટે તેની ઘણી સૂચનાઓનું પાલન કર્યું નથી. તેથી રિઝર્વ બેન્કે મહેસાણા એર્બન કોઓપરેટીવ બેન્કને નોટિસ પાઠવીને સૂચનાનું પાલન ન કરવા બદલ તેમને પેનલ્ટી શા માટે ન કરવી તેનો ખુલાસો કરવાની માગણી કરી હતી.
નોટિસના અનુસંધાનમાં બેન્કે રજૂ કરેલો જવાબ સંતોષજનક ન જણાતા બેન્ક સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. બેન્કિંગના કાયદાઓનું પાલન ન કરવા બદલ મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્કને દંડ કરવામાં આવ્યો છે.
ભૂતકાળમાં એટલે કે જુલાઈ 2024માં મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્કને રૂ. 5.93 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. જુલાઈ 2024માં બેન્કના જ ડિરેક્ટરોને લોન આપવાના ગુના માટે અને બેન્કની અસ્ક્યામતોના વર્ગીકરણમાં ગરબડ કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો. સાયબર સિક્યોરિટી માટે પૂરતા પગલાં ન લેવા માટે પણ મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્કને દંડ કરવામાં આવ્યો હતો.






