મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: આટકોટના શિક્ષણધામમાં વિદ્યાર્થિની પર કુકર્મ, ટ્રસ્ટી સહિત ભાજપના બે આગેવાનો સામે દુષ્કર્મની ફરિયાદ

સમગ્ર સૌરાષ્ટ્રમાં અને શિક્ષણ જગતમાં ચકચાર મચાવતી આ ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલ

રાજકોટ: આટકોટના શિક્ષણધામમાં વિદ્યાર્થિની પર કુકર્મ, ટ્રસ્ટી સહિત ભાજપના બે આગેવાનો સામે દુષ્કર્મની ફરિયાદ

સમગ્ર સૌરાષ્ટ્રમાં અને શિક્ષણ જગતમાં ચકચાર મચાવતી આ ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલ ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રાક્ટર અને ટ્રસ્ટીએ દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.  જિલ્લા પોલીસ વડા સમક્ષ અરજી થતાં પોલીસે ભાજપના જ બે આગેવાનો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના આટકોટ નજીક આવેલ ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જસદણના પાચવડા ગામના ભાજપના આગેવાન મધુભાઈ ટાઢાણી અને ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ ભાજપના આગેવાન પરેશ રાદડિયાનું નામ આપ્યું છે. 

શું હતી ઘટના?

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીનીએ 5 વર્ષ પહેલા ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં એડમીશન લીધુ હતું અને ત્યારથી કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી હતી. એડમીશન લીધા બાદ વિદ્યાર્થિનીને 2021માં ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રાક્ટર મધુભાઈ ટાઢાણી સાથે પરિચય થયો હતો. બાદમાં ભાજપનો આગેવાન અવાર નવાર છેડતી કરતો હતો.

આ બનાવની ટ્રસ્ટીને જાણ થતા તેણે પણ  વિદ્યાર્થિને શિકાર બનાવી 

જુલાઈ 2023માં આરોપી મધુભાઈ ટાઢાણીએ કન્યા છાત્રાલયનો કલરકામનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. કલરકામ કરવાના બહાને અવારનવાર વિદ્યાર્થિનીના રૂમમાં જઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો.  એટલું જ નહીં આ બનાવની ટ્રસ્ટી પરેશ રાદડિયાને જાણ થતા તેણે કાર્યવાહી કરવાના બદલે વિદ્યાર્થિનીને પોતાના હવસનો શિકાર બનાવી હતી.  આખરે પરિવારજનોને આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડાને રૂબરૂ રજૂઆત કરી હતી. 

તપાસ પીઆઈ આર.એન. રાઠોડને સોંપવામાં આવી

ચકચારી આ ઘટના અંગે જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત થતાં અંતે આટકોટ પોલીસે ભાજપના આગેવાન મધુભાઈ ટાઢાણી અને પરેશ રાદડિયા સામે દુષ્કર્મ-છેડતી અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી બનાવની તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન. રાઠોડને સોંપવામાં આવી છે. 

પ્રકરણ દબાવવા અનેક મોટાં માથાઓનો પ્રયાસ 

આટકોટના ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં વિદ્યાર્થિની સાથે ભાજપના જ બે આગેવાનો દુષ્કર્મ આચરતા હોવાની ફરિયાદ ઉઠતા ભાજપના જ મોટા માથાઓએ આ પ્રકરણ દબાવવા સામ-દામ, દંડ-ભેદની નીતિ અપનાવી પીડીત પરિવારને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા અંતે ગુનો નોંધાયો છે. જાણવા મળ્યા પ્રમાણે આરોપી ટ્રસ્ટી પરેશ રાદડિયાના પત્ની પણ જિલ્લા પંચાયતના સભ્ય હોવાનું જાણવા મળ્યું છે.  

કન્યા છાત્રાલયના વૃદ્ધ ટ્રસ્ટીએ પણ ઝેરી દવા પીધી 

કન્યા છાત્રાલયમાં રહેતી અને અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર શારીરિક શોષણ થતું હોવાની જિલ્લા પોલીસવડા સમક્ષ અરજી થયા બાદ સંસ્થામાં વર્ચસ્વની લડાઈના કારણે 72 વર્ષના સંચાલક અરજણભાઈ રામાણીએ ગઈકાલે જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેઓ સારવાર હેઠળ છે. આ ગુનામાં તેમનો શું રોલ છે તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો