રજની પટેલ ગુજરાત ભાજપના કાર્યકારી અધ્યક્ષ! ભાજપના નેતાએ જ પેપર ફોડ્યું
ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? તેને લઇને અત્યારે ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે રજની પટેલને ગુજર

ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? તેને લઇને અત્યારે ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે રજની પટેલને ગુજરાત ભાજપના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં ભાજપના જ કાર્યકરોએ આ પેપર ફોડી નાખ્યું છે. જોકે, ભાજપ તરફથી હજુ સુધી પ્રદેશ અધ્યક્ષની કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
ભાજપના નેતા રેખા ચૌધરી સહિતનાઓએ સોશિયલ મીડિયા પર રજની પટેલના ગુજરાતના પ્રદેશ કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂદ બદલ અભિનંદન પણ પાઠવી દીધા હતા.
યજ્ઞેશ દવેએ કરી સ્પષ્ટતા
ભાજપના મીડિયા કન્વિનર ડૉ.યજ્ઞેશ દવેએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલ જ કાર્યરત છે. હાલ કોઇ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કે જવાબદારી કોઇને આપવામાં આવી નથી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નવા પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં જ લડાય તેવા સંકેત છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. 16 ફેબ્રુઆરીએ મતદાન જ્યારે 18 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.
ગુજરાતમાં પ્રદેશ સંગઠનને લઇને થયો વિલંબ
દિલ્હી વિધાનસભા ચૂંટણીને કારણે ગુજરાતમાં પણ સંગઠનમાં વિલંબ થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતમાં શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂક થવાની છે. તે પછી ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ પણ મળી શકે છે. ગુજરાત ભાજપ દ્વારા 15 જાન્યુઆરી સુધીમાં નિર્વિવાદીત શહેર અને જિલ્લા ના અધ્યક્ષના નામોની જાહેરાત થવાની હતી. જોકે, હજુ સુધી એક પણ નામની જાહેરાત કરવામાં આવી નથી.
ગુજરાત ભાજપને ફેબ્રુઆરીમાં મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ
ગુજરાત ભાજપને ફેબ્રુઆરીમાં નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે.પ્રદેશ પ્રમુખના જે નામો રેસમાં હોય તેના કરતાં કોઇ નવા ચહેરાને જ ગુજરાત ભાજપની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપમાં શું થશે તે કોઇ રાજકીય પંડિતો પણ કળી શકે તેમ નથી. સૂત્રો અનુસાર, આ વખતે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતના કોઇ OBC નેતાને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખપદે બેસાડાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા માટે આ નામ ચર્ચામાં
અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે પાટીદાર છે તેવા કિસ્સામાં પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી સંભાવના નહીવત છે. આ જોતાં ભાજપ પાસે ઓબીસી નેતા જ એકમાત્ર વિકલ્પ છે. અત્યારે ભાજપના વર્તુળોમાં ચર્ચા છે કે પૂર્ણેશ મોદી, ઉદય કાનગડ, અર્જુનસિંહ ચૌહાણ, અમિત ઠાકર અને મયંક નાયકના નામ નવા પ્રદેશ પ્રમુખની રેસમાં છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં જોઇએ તો રજની પટેલ, શંકર ચૌધરી, જગદીશ પંચાલના નામ પણ ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાની રેસમાં છે.








