VIDEO: Rajkot/ ધુલાઈ કામ કરતા શ્રમિકનો હાથ મશીનમાં આવી જતાં હાલત ગંભીર; વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયા
રાજકોટ જિલ્લાના જેતપુરના નવાગઢ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં દીપા ટ્રેડિંગ નામની કંપનીમાં કામ કરતા એક શ્રમિકનો હાથ મશીનમાં આવી જતા શરીરથી અલગ થઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતને પગલે ફેક્ટરી પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, નવાગઢમાં આવેલી દીપા ટ્રેડિંગ નામની કંપનીમાં મુકેશભાઈ પરમાર નામના મજૂર ફરજ બજાવી રહ્યા હતા. તેઓ જ્યારે મશીન પર ધોલાઈનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક તેમનો હાથ ચાલુ મશીનમાં આવી ગયો હતો. મશીનની ઝડપ અને દબાણ એટલું ભયાનક હતું કે મુકેશભાઈનો હાથ ખંભાના ભાગેથી કપાઈને અલગ થઈ ગયો હતો.
આ ગંભીર ઈજાને કારણે મુકેશભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. અન્ય શ્રમિકો અને કારખાનાના સંચાલકોએ તુરંત તેમને જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, ઈજા ખૂબ જ જીવલેણ અને ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર આપી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે.

