VIDEO: ઉપલેટામાં વ્યાજખોરોનો આતંક, મજૂર યુવાને મોતને વહાલું કરવા ફિનાઈલ પીધું; હાલત નાજુક
VIDEO: રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વ્યાજખોરોનો આતંક ફરી એકવાર સીમા વટાવી ગયો છે. સામાન્ય મજૂરી કરીને ગુજરાન ચલાવતા એક યુવાનને વ્યાજખોરોએ એવી રીતે હેરાન કર્યો કે તેણે મજબૂર થઈને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. "પૈસા ન હોય તો મરી જા" જેવી ક્રૂર ધમકી મળતા યુવાન હિંમત હારી ગયો હતો. મજૂર યુવાન આ પઠાણી ઉઘરાણીથી કંટાળીને આખરે જીવન ટૂંકાવવાનો માર્ગ અપનાવ્યો હતો. જ્યાં તેની હાલત હલ ગંભીર હોવાનું સામે આવ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ઉપલેટાના મિલ વિસ્તારમાં મજૂરી કામ કરતા ઈરફાન ઈબ્રાહિમ કુરેશી નામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ફિનાઈલ ગટગટાવી લીધું છે. યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. તબીબોની ટીમ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે.
પત્નીના ગંભીર આક્ષેપ
મધરાત સુધી ફોન પર ટોર્ચર ભોગ બનનાર યુવાનની પત્ની નસરુનબેને મીડિયા સમક્ષ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ધંધો બરાબર ન ચાલતો હોવાથી તેઓ સમયસર હપ્તો ભરી શક્યા નહોતા. વ્યાજખોરો એટલી હદે ક્રૂર બન્યા હતા કે રાત્રે 12-01 વાગ્યા સુધી સતત ફોન કરીને માનસિક ટોર્ચર કરવામાં આવતું હતું. વ્યાજખોરોએ યુવાનને ધમકી આપતા કહ્યું હતું કે, "જો પૈસા ન આપી શકતા હોવ તો મરી જાવ." આ સતત દબાણ અને ધમકીઓને કારણે ઇરફાને આ આત્યંતિક પગલું ભર્યું હતું.
પોલીસ તપાસનો ધમધમાટ આ ચકચારી ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે નસરુનબેનનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે અને કયા વ્યાજખોરો આ ઘટનામાં સંડોવાયેલા છે તેની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

