Video/ Rajkot માં સિટી બસના ડ્રાઈવરનો આત્મહત્યાનો પ્રયાસ, સુપરવાઈઝરના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી
રાજકોટ શહેરમાં પરિવહન સેવા સંભાળતા ડ્રાઈવરોની સુરક્ષા અને માનસિક સ્થિતિ પર સવાલો ઉભા થયા છે. રાજકોટની સિટી બસમાં ફરજ બજાવતા એક ડ્રાઈવરે સુપરવાઈઝરના ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. ડ્રાઈવરે આત્મહત્યાના પ્રયાસ પહેલા એક વીડિયો બનાવીને સુપરવાઈઝર પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે.
વીડિયો બનાવીને ઠાલવી વેદના
સિટી બસના ડ્રાઈવર સાદિક મુરમાએ અંતિમ ડગલું ભરતા પહેલા એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે રડતા રડતા પોતાની વ્યથા ઠાલવી હતી કે સુપરવાઈઝર વિક્રમ ડાંગર તેને સતત માનસિક ત્રાસ આપતો હતો. આ ત્રાસ સહન ન થતા સાદિકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં સાદિક મુરમાની હાલત ગંભીર હોવાથી તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
રાજપથ લિમિટેડના સંચાલન પર સવાલ
રાજકોટમાં સિટી બસનું સંચાલન 'રાજપથ લિમિટેડ' દ્વારા કરવામાં આવે છે. આ ઘટનાએ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ અને તેમના ઉપરી અધિકારીઓ વચ્ચેના તણાવને સપાટી પર લાવી દીધો છે. નોંધનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ સુપરવાઈઝર પર ત્રાસના આક્ષેપો થયા હોય. અગાઉ પણ અનેક વખત સુપરવાઈઝરો વિરુદ્ધ કર્મચારીઓને હેરાન કરવાની ફરિયાદો ઉઠી ચૂકી છે.

