રાજકોટની શોકિંગ ઘટના; નિંદ્રાધીન પત્નીના વસ્ત્રો ઉતારીને જોતાં ખબર પડી કે તે મહિલા નહીં પુરુષ છે, યુવતી સમજીને કર્યા હતા લગ્ન!

Rajkot Crime News: સોશિયલ મીડિયા થકી પ્રેમિકા અને જીવનસાથીની તલાશ કરતા યુઝર્સ માટે લાલબત્તી સમાન કિસ્સો બહાર આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના યુવકે સોશિયલ મીડિયા થકી પરિચય થયા બાદ યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે, બાદમાં તેને તેની પત્ની યુવતી નહીં પરંતુ પુરુષ ('ગે') હોવાની જાણ થતાં તેને તરછોડી ભાગી ગયો હતો. પરંતુ તેની પત્નીએ સતત યુવકનો પીછો કરી ત્રાસ આપવાનું અને મારકૂટ કરવાનું ચાલુ રાખતા આખરે કંટાળીને તેની હત્યા કરી નાંખી હતી. શાપર પોલીસે આ હત્યા કેસનો ભેદ ઉકેલી આરોપી પિયુષ બબલુ ખરવાર (ઉ.વ.30, રહે. મૂળ યુપી)ની ધરપકડ કરી હતી.
શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, ગત 24મી જૂનના રોજ શાપરના મસ્કાત ફાટક નજીકથી યુવતીના કપડાં અને ઘરેણા પહેરેલી કોહવાઈ ગયેલી લાશ મળી હતી. શરૂઆતમાં પોલીસને યુવતીની લાશ હોવાની શંકા ગઈ હતી. પરંતુ પોસ્ટમોર્ટમ વખતે મૃતક યુવતી નહીં પરંતુ યુવક હોવાનું જાણવા મળતાં પોલીસ ચોંકી ઉઠી હતી. જોકે લાશની સ્થિતિ જોતાં બનાવ હત્યાનો હોવાના તારણ પર પહોંચી શાપરના પીઆઈ આર.બી.રાણાએ તપાસનો દોર શરૂ કર્યો હતો. ૧૦૦ જેટલા સીસીટીવી કેમેરા જોયા બાદ આખરે ભેદ ઉકેલાતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ફેસબુક પર 'નિશા' અને ઇન્સ્ટાગ્રામ પર 'પૂનમ' બનીને યુવકને ફસાવ્યો
પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, હત્યાનો ભોગ બનનારનું નામ ચંદન હતું. તે મૂળ બિહારનો વતની હતો અને તેની ઉંમર 26 વર્ષ આસપાસ હતી. તેણે ફેસબુકમાં નિશા કુમાર અને ઈન્સ્ટાગ્રામમાં પૂનમ નામની આઈડી બનાવી હતી. જેના દ્વારા તેનો આરોપી પિયુષ સાથે પરિચય થતાં બંનેએ એકબીજા સાથે ચેટ શરૂ કરી હતી. બંને વચ્ચે પ્રેમ પાંગરતા આખરે ચંદન, પિયુષને મળવા હૈદરાબાદ ગયો હતો. તે વખતે પિયુષ ત્યાં એલ્યુમિનિયમ સેક્શનની બારીઓ બનાવવાનું કામ કરતો હતો.
ત્રણ મહિના બંને સાથે રહ્યા બાદ એક દિવસ પિયુષે, ચંદનના સેંથામાં સિંદૂર પૂરી તેની સાથે લગ્ન કરી લીધા હતા. આ પછી શરીર સંબંધની વાત કરતા ચંદને પોતાને વૈષ્ણોદેવીની મન્નત હોવાનું જણાવી મન્નત પુરી થયા બાદ શરીર સંબંધ બાંધવા દેશે તેમ કહ્યું હતું. થોડા દિવસ બાદ પિયુષને શંકા જતાં એક દિવસ તેણે રાત્રે નિંદ્રાધીન ચંદનના વસ્ત્રો ઉતારી જોતાં તે પુરુષ હોવાનું જાણવા મળતાં ચોંકી ઉઠ્યો હતો.
પીછો છોડાવવા પિયુષે 3 રાજ્યો બદલ્યા
જેને કારણે બંને વચ્ચે ઝઘડો થયા બાદ પિયુષ પોતાના વતન જતો રહ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તેણે ચંદનથી પીછો છોડાવવા ત્રણેક રાજ્યો બદલાવ્યા હતા. આમ છતાં તેનું લોકેશન મેળવી ચંદન તેની પાસે પહોંચી જતો હતો. એટલું જ નહીં તેની સાથે રહેવાની જીદ કરી ઝઘડા ઉપરાંત તેના ગુપ્ત ભાગ ઉપર પાટા મારતો હતો.
થોડા દિવસો પહેલા પિયુષ શાપર નજીકના પડવલા ગામે રહેતા અને પિરામિડ નામના કારખાનામાં કામ કરતાં નાનાભાઈ સત્યમ પાસે રહેવા આવી ગયો હતો. આ વખતે ફરીથી ચંદન તેનું લોકેશન મેળવી પડવલામાં તેની ઓરડીમાં પહોંચી ગયો હતો. ફરીથી તેણે પિયુષને મારકૂટ શરૂ કરી દીધી હતી. આ વખતે પિયુષ પણ રોષે ભરાતા તેણે પણ ચંદનને બેફામ બની મારકૂટ કરતાં અર્ધબેભાન બની ગયો હતો. જેથી તેને અર્ધબેભાન હાલતમાં હાથ પકડીને સ્થળ પર લઈ આવ્યો હતો. જ્યાં તેના માથામાં પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો હતો.

