VIDEO: Rajkot / નજીવી બાબતે રિક્ષાચાલકે માસૂમ બાળકને ઢોર માર માર્યો; બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાંથી માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે. અહીંની ગેબનશા સોસાયટીમાં માત્ર લઘુશંકા કરવા જેવી સામાન્ય બાબતે એક રિક્ષાચાલકે પિત્તો ગુમાવીને એક માસૂમ બાળકને ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાળકને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ગેબનશા સોસાયટીમાં એક માસૂમ બાળક રમી રહ્યું હતું. રમતા-રમતા બાળક સોસાયટીમાં ઉભેલી એક રિક્ષામાં પેશાબ કરી ગયું હતું. આ સામાન્ય બાબતે રિક્ષાચાલક મહેબૂબ મકવાણા એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે માસૂમ બાળક પ્રત્યે જરા પણ દયા રાખ્યા વગર બાળક પર હુમલો કરી દીધો હતો.
આરોપી મહેબૂબ મકવાણાએ બાળકને પેટ અને છાતીના ભાગે ઢોર માર માર્યો હતો. આ ક્રૂરતા અહીં જ ન અટકી, બાળકને હાથ અને માથાના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે.

