Rajkot News: જીગર રાચ્છે સમગ્ર દેશમાં રંગીલા રાજકોટનું નામ રોશન કર્યું, CA ફાઉન્ડેશન પરીક્ષામાં ટોપ 20માં સામેલ

3 નવેમ્બરના રોજ CA ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ. જેમાં મધ્યપ્રદેશના મુકુંદ આગીવાલે ઓલ ઈન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેણે 83.33% ગુણ મેળવ્યા છે. તો બીજી તરફ ગુજરાતનું નામ પણ આ પરિણામમાં ટોપના સ્થાને પહોંચ્યું છે. જેમાં રાજકોટનો જીગર રાચ્છ આ CA ફાઉન્ડેશન પરીક્ષામાં ભારતમાં 20મા ક્રમે આવ્યો છે.
ચાલી જાણીએ કે, જીગર રાચ્છે આ સફળતા કેવી રીતે મેળવી
તે રોજ 12 કલાક રીડિંગ કરતો હતો, જેનું આ ઉજ્જવળ પરિણામ આવ્યું. તેણે આ પરીક્ષામાં 400 માંથી 324 માર્ક્સ મેળવ્યા છે. તેણે ધોરણ 10થી CA બનવાનું સ્વપ્ન સેવ્યું હતુ. તેણે દરરોજની 12 કલાકનું કોચિંગ મેળવવાથી આ સફળતા મેળવી છે. તે જણાવે છે કે, હવે તે CA ઇન્ટરમીડિયેટ અને CA ફાઈનલ માટે તનતોડ મહેનત કરશે. તેના પરિવાર દ્વારા પણ તેને પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો, તેથી તેને આ સફળતા મળી છે.
આવું રહ્યું ICAIની પરીક્ષાનું પરિણામ
ICAI (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા) દ્વારા સપ્ટેમ્બરમાં લેવાયેલી CA પરીક્ષાઓનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં ફાઇનલ એક્ઝામિનેશન (બંને ગ્રુપ)નું પરિણામ 16.23% (16,800માંથી 2,727 પાસ), ઇન્ટરમીડિયેટ એક્ઝામ (બંને ગ્રુપ)નું પરિણામ 10.06% (36,398માંથી 3,663 પાસ) અને ફાઉન્ડેશન એક્ઝામનું પરિણામ 14.78% (98,827માંથી 14,609 પાસ) રહ્યું છે.

