રાજકોટમાં બે સ્થળોએ ચાલતા કુટણખાના પર દરોડા, બે મહિલાઓને મુક્ત કરાવાઈ

રાજકોટમાં બે સ્થળોએ ચાલતા કુટણખાના પર દરોડા, બે મહિલાઓને મુક્ત કરાવાઈ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રાજકોટ શહેરમાં સ્પા અને રહેણાંક મકાનોની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના મવડી ચોકડી અને પોશ ગણાતા રેસકોર્સ પાર્ક વિસ્તારમાં પોલીસે અલગ-અલગ દરોડા પાડીને ચાલતા કુટણખાના ઝડપી પાડ્યા છે.

ફેમેલી સ્પાની આડમાં ચાલતો દેહવ્યાપાર

જાહેરાત

પ્રથમ બનાવમાં, મવડી ચોકડી નજીક આવેલા 'ઓરેન્જ વેલનેસ ફેમેલી સ્પા' માં મસાજની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ (AHTU)ની ટીમને મળી હતી. બાતમીના આધારે પોલીસ ટીમે ડમી ગ્રાહક મોકલીને ખાતરી કર્યા બાદ સ્પા પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાનું ખુલતા પોલીસે સ્થળ પરથી સંચાલક સહિતના શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મકાનમાં વૃદ્ધા ચલાવતી હતી કૂટણખાનું

અન્ય એક કાર્યવાહીમાં, શહેરના રેસકોર્સ પાર્ક વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં વૃદ્ધા દ્વારા બહારથી મહિલાઓને બોલાવી કુટણખાનું ચલાવવામાં આવતું હોવાની વિગતો પોલીસને મળી હતી. જેના પગલે પોલીસે આ મકાન પર દરોડો પાડીને દેહવ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી બે મહિલાઓને મુક્ત કરાવી હતી અને કુટણખાનું ચલાવતી વૃદ્ધા વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત