PGVCLની સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્જિકલ સ્ટ્રાઈક: ₹652 કરોડ વસૂલવા મેગા ડ્રાઈવ, 28 લાખ કનેક્શનો પર લટકતી તલવાર
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજ બિલની બાકી વસૂલાત માટે PGVCL (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) અત્યારે ફુલ એક્શન મોડમાં આવી ગઈ છે. આજે સમગ્ર ઝોનમાં 'ડિસ-કનેક્શન ડે' જાહેર કરી મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે ગ્રાહકોના બે અથવા તેથી વધુ બિલ બાકી છે, તેમના વીજ જોડાણો કાપવા માટે તંત્રએ કમર કસી છે.
સૌરાષ્ટ્રમાં ₹652 કરોડનું લેણું: 2700 ટીમો મેદાનમાં
PGVCLના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જી.કે. સરવૈયાએ જણાવ્યું હતું કે, સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ ₹652.99 કરોડનું વીજ બિલ બાકી છે. આ વસૂલાત માટે તંત્ર દ્વારા 2700 જેટલી ટીમો બનાવીને મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ અંદાજે 28 લાખ જેટલા વીજ જોડાણો કાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. માત્ર રાજકોટ શહેર અને જિલ્લામાં જ ₹130.51 કરોડની માતબર રકમ બાકી બોલે છે.
મોરબી જિલ્લો: ₹54 કરોડ બાકી, પાલિકાઓ પણ ઝપટે ચડશે?
મોરબી જિલ્લામાં પણ PGVCL એ આકરાં પાણીએ છે. જિલ્લામાં કુલ ₹54 કરોડનું વીજ બિલ બાકી છે, જેના માટે 20 ડિવિઝનની 210 ટીમો કાર્યરત કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં કુલ 75,432 ગ્રાહકો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે.
સૌથી વધુ બાકી લેણામાં હળવદ નગરપાલિકા (₹8.16 કરોડ) મોખરે છે. ત્યારબાદ માળિયા નગરપાલિકાના ₹92 લાખ અને ટંકારાના ₹22 લાખ બાકી છે.
હવે જોવાનું એ રહેશે કે શું તંત્ર માત્ર સામાન્ય જનતાના જ કનેક્શન કાપશે કે પછી કરોડોનું બિલ બાકી રાખનાર સરકારી કચેરીઓ અને નગરપાલિકાઓના પણ અંધારા પટ કરશે?
કોના કનેક્શન કપાશે?
તંત્રના જણાવ્યા મુજબ, જે ગ્રાહકોએ છેલ્લા બે બિલની ચૂકવણી કરી નથી, તેમના કનેક્શન કોઈપણ પૂર્વ સૂચના વગર કાપી નાખવામાં આવશે. આ ડ્રાઈવમાં રહેણાંક, વાણિજ્યિક અને સરકારી કચેરીઓ એમ તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

