બસ અટકાવી જાહેરમાં ઉઘરાણી અને દાદાગીરી: ગીતામંદિર ST ડેપોમાં હોબાળો મચાવતા ત્રણ કિન્નરોને પોલીસે રંગેહાથ દબોચ્યા!

બસ અટકાવી જાહેરમાં ઉઘરાણી અને દાદાગીરી: ગીતામંદિર ST ડેપોમાં હોબાળો મચાવતા ત્રણ કિન્નરોને પોલીસે રંગેહાથ દબોચ્યા!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ શહેરના ગીતામંદિર સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેશનના બહાર નીકળવાના ગેટ પાસે જાહેરમાં એસ.ટી. બસોને અટકાવી મુસાફરો પાસે બળજબરીથી પૈસા ઉઘરાવતી અને પૈસા ન આપે તો માર મારવાની ધમકી આપતી ત્રણ કિન્નરોની ટોળકીને કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી ઝડપી પાડી છે. 6 નવેમ્બર (શુક્રવાર)ની સાંજે મુસાફરો અને બસ ચાલકો માટે માથાનો દુખાવો બનેલી આ ત્રિપુટી હોબાળો મચાવી રહી હતી ત્યારે એસ.ટી. નિગમના ટ્રાફિક સ્ટાફે તેમને રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, ​ગીતામંદિર એસ.ટી. નિગમના ટ્રાફિક ઈન્સ્પેક્ટર 6 નવેમ્બરે (શુક્રવાર) સાંજે ફરજ પર હાજર હતા. તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે ગીતા મંદિર બસ સ્ટેશન બહાર નીકળવાના ગેટ પાસે કેટલાક કિન્નરો એસ.ટી. બસો આગળ અડચણ ઊભી કરી બસોને રોકી રહ્યા છે. માહિતી મળતા જ ટ્રાફિક ઈન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો.

જાહેરાત

મુસાફરો પાસે બળજબરીપૂર્વક રૂપિયાની ઉઘરાણી કરતા કિન્નરો

​તપાસ દરમિયાન સ્થળ પર 3 કિન્નરો બસો અટકાવી હોબાળો મચાવતા નજરે પડ્યા હતા. આ શખ્સો બસમાં ચઢીને મુસાફરો પાસે બળજબરીપૂર્વક રૂપિયાની ઉઘરાણી કરતા હતા અને જે મુસાફર રૂપિયા આપવાનો ઇનકાર કરે તેને જાહેરમાં માર મારવાની ધમકી આપતા હતા. એસ.ટી. સ્ટાફે ત્રણેયને પકડી પોલીસને જાણ કરતાં કાગડાપીઠ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક્ઝિટ ગેટ પર ટ્રાફિક જામ કરી મુસાફરોમાં ભય ફેલાવવાનો ખેલ

સેન્ટ્રલ બસ સ્ટેન્ડના એક્ઝિટ ગેટ પરથી દર મિનિટે લાંબા અંતરની બસો રવાના થતી હોય છે. કિન્નરો બરાબર ગેટના મુખ આગળ જ ઊભા રહી જતા હોવાથી પાછળ બસોની લાંબી લાઇન લાગી જતી હતી. મુસાફરો પરિવાર સાથે હોય ત્યારે જાહેરમાં બબાલ અને તમાશો ટાળવા માટે અનિચ્છાએ પણ રૂપિયા આપી દેતા હતા. આ માનસિકતાનો લાભ ઉઠાવી આ ટોળકી નિયમિત રીતે મુસાફરોને ટાર્ગેટ કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત