એક ડ્રેનેજ કુંડી છીનવી ગઈ માતાની મમતા, મિતાલીબેનના મોતથી રઘુવંશી સમાજમાં રોષ

એક ડ્રેનેજ કુંડી છીનવી ગઈ માતાની મમતા, મિતાલીબેનના મોતથી રઘુવંશી સમાજમાં રોષ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં રોડ પર ઊંચી છોડી દેવાયેલી ડ્રેનેજની કુંડી એક પરિવાર માટે કાળ બની ગઈ. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મિતાલીબેન કેસરિયાનું અઢી માસની સારવાર બાદ હેમરેજને કારણે મોત થતા આજે રઘુવંશી સમાજ મેદાને આવ્યો હતો.

શહેરના ત્રિકોણબાગથી મહાનગરપાલિકા કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં સૌની આંખો ત્યારે ભીની થઈ ગઈ જ્યારે મૃતક પરણીતાની માતા અંજનાબેન ચોધાર આંસુએ રડી પડ્યા અને ન્યાયની માંગણી કરી. તો બીજી તરફ, પોતાના પ્રથમ જન્મદિવસ પૂર્વે જ માતાની મમતા ગુમાવનારા માસૂમ બાળકના હસ્તે મહાનગરપાલિકાના નાયબ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જાહેરાત

“બીજી કોઈની દીકરી સાથે આવું ન થાય”

મૃતકના માતા અંજનાબેને રડતા રડતા જણાવ્યું હતું કે, “મિતાલી મારી દીકરી છે. સરકાર આવી લાપરવાહી બીજા કોઈની દીકરી સાથે ન કરે અને મારી દીકરીને ન્યાય મળે તે જ માંગણી છે. જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.”

તેમણે વધુમાં જણાવ્યું કે, સાતમ-આઠમ હતી ત્યારે રાત્રે બાળક સુઈ ગયું એટલે મારી દીકરી અને જમાઈ બહાર જમવા જતા હતા. તે દરમિયાન કાળમુખી કુંડી વચ્ચે આવી ગઈ. અકસ્માતમાં દીકરીને માથામાં ગંભીર ઈજા પહોંચી. જે જગ્યાએ મોટી કુંડી હતી ત્યાં કોઈ બેનર કે ડાયવર્ઝનનું બોર્ડ મારેલું ન હતું.

“મારા પૌત્ર માટે મારે ન્યાય જોઈએ. મારી દીકરી સાથે આ થઈ ગયું છે. અમારા જમાઈ નાના છે ત્યારે બાળકનું ભવિષ્ય મારે સિક્યોર જોઈએ. ગઈકાલે બાળકનો પ્રથમ બર્થડે હતો ત્યારે તે પોતાની માને યાદ કરતો હતો. મનપા પૂરો ટેક્સ વસૂલે છે પણ સુવિધા આપતી નથી. સિવિલમાં મારી દીકરી અઢી મહિના દાખલ હતી પણ મનપાનો એક પણ અધિકારી ત્યાં આવ્યો ન હતો.”

સમાજે કહ્યું: આ મોતની કુંડી છે

રઘુવંશી યુવા શક્તિ સંઘના આગેવાન કે.ડી. રઘુવંશીએ જણાવ્યું હતું કે, 6 સપ્ટેમ્બરના રોજ અમારા સમાજના મિતાલીબેન કેસરિયા 150 ફૂટ રીંગ રોડ ઉપર ઘંટેશ્વર પાર્ક પાસે ઉભી કરેલી મોતની કુંડીમાં અથડાવવાથી તેમનું મૃત્યુ નીપજ્યું છે. આમાં મનપા તંત્રની ચોખ્ખી બેદરકારી છે. વોર્ડ નંબર 1 ના અધિકારી અને કોન્ટ્રાક્ટ એજન્સી આ માટે જવાબદાર છે, પરંતુ તંત્ર દ્વારા કોઈના નામ જાહેર કરવામાં આવ્યા નથી. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગણી છે.

નાયબ કમિશનરે શું કહ્યું?

મહાનગરપાલિકાના નાયબ કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે, એસઆરપી કેમ્પથી રીંગ રોડ-2 ને જોડતા રસ્તા પર દંપતીનો અકસ્માત થયો હતો અને સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું છે. આમાં કોન્ટ્રાક્ટર, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કે જેની આ સાઈટ પર રેગ્યુલર નિગરાની કરવાની જવાબદારી છે અને સાઈટ પર સુપરવિઝન કરતા મનપાના સ્ટાફ જવાબદાર છે.

તેમણે ઉમેર્યું કે, ડ્રેનેજનું ઢાંકણું રોડ પર હોત તો તાત્કાલિક એક્શન લેવાઈ ગયા હોત, પરંતુ આ ઢાંકણું ડામરની નીચે હતું. આમ છતાં કોન્ટ્રાક્ટર એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને જે પણ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

શું હતી સમગ્ર ઘટના?

ગત તા. 6 સપ્ટેમ્બરના રોજ રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા ડી.પી. રોડ પર ગ્રીન લીફ ગાર્ડનના ગેટ નજીક આ ગંભીર મોટર સાયકલ અકસ્માત સર્જાયો હતો. આ સ્થળે ડામર રોડની બાજુમાં ભૂગર્ભ ગટરની કોંક્રિટની કુંડી (ડ્રેનેજ ચેમ્બર) રોડના લેવલથી ઊંચી છોડી દેવામાં આવી હતી. રસ્તાની બાજુમાં જોખમી રીતે બહાર નીકળેલી કુંડી સાથે ટુ-વ્હીલર અથડાતા મિતાલીબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બે એજન્સીને શોકોઝ નોટિસ

મનપાના વેસ્ટ ઝોન સિટી ઈજનેર દ્વારા અપાયેલી નોટિસમાં જણાવાયું છે કે, એજન્સી દ્વારા આ રસ્તો મંજૂર થયેલા ડી.પી. રોડના સંપૂર્ણ કેરેજ વેને બદલે ઘટાડેલા કેરેજ વે સાથે બનાવવામાં આવ્યો હતો અને તેને આશરે 4 મીટરના હયાત ડામર રોડ સાથે જોડવામાં આવ્યો હતો.

તંત્રના પ્રાથમિક તારણ મુજબ, અકસ્માત સ્થળે સલામતીની આ જવાબદારીઓ પૂરતા પ્રમાણમાં નિભાવાઈ ન હોય તેવું જણાયું છે. હાલ પવન કન્સ્ટ્રક્શન અને એસ.આર.ડી. એજન્સીને દસ્તાવેજી પુરાવા સાથે શોકોઝ નોટિસ પાઠવીને લેખિત ખુલાસો રજૂ કરવા તાકીદ કરાઈ છે. બંને એજન્સીઓની વિગતોની તપાસ બાદ મનપા તંત્ર દ્વારા આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત