પરીક્ષાને લઈને આણંદ તંત્રનો કડક આદેશ: 200 મીટરમાં બિનઅધિકૃત પ્રવેશ અને મોબાઈલ પર પ્રતિબંધ

પરીક્ષાને લઈને આણંદ તંત્રનો કડક આદેશ: 200 મીટરમાં બિનઅધિકૃત પ્રવેશ અને મોબાઈલ પર પ્રતિબંધ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાત ગૌણ પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વર્ગ-3 વર્ગની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. 28-11-2026 તેમજ તા. 29-11-2026ના રોજ યોજાનાર છે. આણંદ જિલ્લામાં સામેલ યાદી મુજબના પરીક્ષા કેન્દ્રો ઉપર આ પરીક્ષાનું સુચારૂ અને નિષ્પક્ષ સંચાલન થાય તેમજ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ તા. 28-11-2026 તેમજ તા. 29-11-2026 ના રોજ સવારના 08:00 કલાકથી સાંજના 19:00 કલાક દરમિયાન આણંદ જિલ્લામાં સામેલ યાદી મુજબના પરીક્ષા કેન્દ્રો ઉપર કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની 200 મીટરની ત્રિજ્યામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા અધિકૃત વ્યક્તિ સિવાય અન્ય કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિ તથા સંબંધિત પરીક્ષા કેન્દ્ર જે શાળામાં આવેલા હોય તે શાળાના સંચાલક મંડળના સભ્યો કે હોદ્દેદારો પરીક્ષા કેન્દ્રમાં કે કેન્દ્રની 200 મીટરની ત્રિજ્યામાં પરીક્ષાના દિવસે અને સમય દરમિયાન પ્રવેશ કરી શકશે નહીં.

તા. 28, 29 નવે. સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી 200 થી 300 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ - સાયબર કાફે બંધ રહેશે

જાહેરનામામાં કરેલા હુકમ મુજબ, પરીક્ષાના દિવસો દરમિયાન સવારના 08:00 થી સાંજના 19:00 કલાક સુધી પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની 200 મીટરથી 300 મીટરની ત્રિજ્યામાં આવેલ તમામ ઝેરોક્ષ મશીન, સાયબર કાફે, ફોટોકોપી સેન્ટર બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થી તેમજ સરકારી પ્રતિનિધિ સિવાયના પરીક્ષા સાથે સંકળાયેલ કોઈ પણ કર્મચારી મોબાઈલ ફોન કે ઈલેક્ટ્રોનિક માધ્યમથી સંદેશાવ્યવહાર કે રેકોર્ડિંગ થઈ શકે તેવા કોઈપણ પ્રકારના ઉપકરણો સાથે લઈ પરીક્ષા બિલ્ડિંગમાં પ્રવેશ ન કરવા ઉપરાંત પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની 200 મીટરની ત્રિજ્યામાં જાહેરમાં લાઉડસ્પીકર કે મ્યુઝિક બેન્ડ કે ડી.જે. મ્યુઝિક સીસ્ટમ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવા પણ જણાવાયું છે. વધુમાં પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની 200 મીટરની ત્રિજ્યામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યક્તિ સિવાય અન્ય કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિ ચાર કરતાં વધારે માણસોના ભેગા થવા તથા ચાર કરતાં વધુ માણસોની કોઈ સભા ભરવા કે બોલાવવા અથવા સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત