SG હાઈવે પર દર ચોમાસે જળબંબાકાર જેવી સ્થિતિ; 3 બ્રિજ નજીક તો કલાકો સુધી પાણી ઓસરતા નથી, તંત્રની ડ્રેનેજ વ્યવસ્થા ફેલ

અમદાવાદમાં આજે (18મી સપ્ટેમ્બર) વહેલી સવારે ખાબકેલા ધોધમાર વરસાદથી AMCની કરોડો રૂપિયાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના સૌથી વ્યસ્ત અને વીઆઈપી એસ. જી. હાઈવે પર, ખાસ કરીને કર્ણાવતી જંક્શન અને ગુરુદ્વારા અંડર બ્રિજ તરફથી પકવાન બ્રિજ ચઢતા જ વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા ફરીથી સામે આવી હતી. કલાકો સુધી વરસાદી પાણી ભરાયેલા રહેતા સર્જાયેલા ભારે ટ્રાફિક જામમાં વાહનચાલકો અટવાયા હતા.
ગટરનું ઊંચું લેવલ અને રોડનો ખોટો ઢાળ મુખ્ય કારણ
મહત્ત્વનું છે કે, ખામીયુક્ત ગટર વ્યવસ્થા અને રોડના ખોટા ઢાળને કારણે વરસાદ બંધ થયાના કલાકો પછી પણ પાણી ન ઓસરતા વાહનચાલકોએ ભારે ટ્રાફિક જામ અને અકસ્માતના જોખમનો સામનો કરવો પડ્યો હતો. જેથી તંત્રએ પાણી કાઢવા ડી-વોટરિંગ વાનનો ઉપયોગ કરવો પડ્યો હતો. જોકે, લોકોની ભારે હાલાકી છતાં વોટર કમિટીના ચેરમેને આ સમસ્યા માટે બ્રિજની ચાલતી કામગીરીને જવાબદાર ઠેરવીને અને નવી ચેમ્બર બનાવી હોવાનો અને તપાસ કરાવવાની હૈયાધારણ આપી છે.
ધોધમાર વરસાદના કારણે કર્ણાવતી ક્લબની સામે બંને સાઈડના મેઈન રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં કલાકો સુધી પાણીનો નિકાલ થયો ન હતો. ગટરનું લેવલ ઊંચું હોવાને કારણે પાણી આગળ જવાના બદલે પરત આવતું હોવાથી આ સમસ્યા સર્જાઈ હતી. મુખ્ય રોડ પર પાણી ભરાઈ જવાના લીધે ટ્રાફિક જામ થતાં, વાહનવ્યવહારને ક્લિયર કરવા માટે તાત્કાલિક સર્વિસ રોડ શરૂ કરવો પડ્યો હતો અને છેવટે ડી-વોટરિંગ વાનનો ઉપયોગ કરીને પમ્પિંગ દ્વારા ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
ગત વર્ષે બનાવેલી કેચપીટ પણ નકામી નીવડી
છેલ્લા ઘણાં સમયથી જ્યારે જ્યારે વરસાદ થાય ત્યારે પકવાન બ્રિજના ઉત્તર છેડે કટ પાસે પાણી ભરાય છે અને જતું નથી. જેને લીધે ટ્રાફિક એક દમ ધીમો ચાલે છે અને પેલેડિયમ મોલ સુધી લંબાય છે. આ પાણી વરસાદ બંધ થયા છતાં ઊતરતું નથી. એના પ્રોપર નિકાલની વ્યવસ્થા નથી. ત્યાં રોડની કિનારે ઢાળ અને ખાડા જેવું છે જેથી પાણી ભરાય છે.
વોટર કમિટી ચેરમેનની તપાસની હૈયાધારણા
એટલું જ નહીં પકવાન અંડર બ્રિજથી બહાર નીકળીને તરફ નીચેથી જતા થલતેજ અને ઝાયડસ બ્રિજ જેવા એપ્રોચ પાસે દર વરસાદ બાદ પાણી ભરાય છે. જેને લીધે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી થાય છે. અહીં ગયા વર્ષે કેચપીટ-વરસાદી પાણીના નિકાલની ગટરો બનાવી હતી છતાં સ્થિતિમાં કોઈ સુધારો નથી. નજીવા વરસાદમાં પણ પાણી ભરાય છે, ધોધમાર પડે તો હાલત અતિશય ખરાબ થઈ જાય છે.
વોટર કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે 'કર્ણાવતી ક્લબ પાસે બ્રિજનું કામ ચાલે છે અને એટલા માટે ત્યાં વરસાદમાં ટ્રાફિક થયો હશે. વરસાદ બંધ રહ્યો એના બે કલાકમાં નીકળી ગયું હતું. આ રોડ પર ગટર લાઈન છે અને વરસાદી લાઈન હાઇવે ઉપર છે.'
ગુરુદ્વારા તરફથી પકવાન બ્રિજ ચઢતા પાણી ભરાય છે તે અંગે ધરમશી દેસાઈએ જણાવ્યું કે, 'ગઈ વખતે જ વરસાદ પડ્યો ત્યારે પછી એક નવી ચેમ્બર વરસાદી પાણી માટે ત્યાં બનાવી છે. જેને લીધે મેઈન લાઈનનું પાણી જતું રહે છતાં જો આ રીતે પાણી ભરાવાની સમસ્યા થતી હોય તો અમે આ અંગે જોવડાવી લઈએ છીએ.'

