VIDEO: ધોળકાના બદરખા અને ચલોડા ગામે જળબંબાકાર, હાઈવે પર ઘૂંટણસમા પાણીથી વાહનચાલકોને હાલાકી
ધોળકા-સરખેજ હાઈવે પર આવેલા બદરખા અને ચલોડા ગામમાં ફરી એકવાર પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલી વધી છે. ભારે વરસાદના પગલે બંને ગામના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. ખાસ કરીને ધોળકા-સરખેજ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે અને અનેક વાહનચાલકો અટવાયા છે. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રીઓ અને સંઘોને પણ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.
બદરખાથી ચાચરાવાડી જવાના માર્ગ પર પણ પાણી
બદરખા ગામમાં માંડ એક મહિના પહેલાં ભરાયેલા પાણી ઓસર્યા હતા, ત્યાં ફરી વરસાદ થતાં ગામના મુખ્ય વિસ્તારો જળમગ્ન બન્યા છે. ગામનું મુખ્ય પ્રવેશદ્વાર, માંડણપુરા વિસ્તાર, મહારાણા પ્રતાપ ચોક, રામાપીર વાળો વિસ્તાર, બળીયાદેવ વાળો વિસ્તાર અને રબારીવાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. બદરખાથી ચાચરાવાડી જવાના માર્ગ પર પણ પાણી ફરી વળ્યું છે.
વાહનચાલકોમાં પણ રોષ
ગામના પ્રવેશદ્વાર પાસે જ પાણી ભરાઈ જતાં લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. અનેક વાહનો પાણીમાંથી પસાર થતાં બંધ પડી જતા વાહનચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પાણી ભરાવાના કારણે ગામના કેટલાક વિસ્તારોના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. વારંવાર સ્થળાંતર કરવાની નોબત આવતાં અને લાંબા સમય સુધી ઘરમાં પાણી ભરાયેલું રહેતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણીના નિકાલ માટે જિલ્લા કલેક્ટર અને DDO કક્ષાએથી માત્ર આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ નક્કર કામગીરી થતી નથી. વાહનચાલકો પણ સવાલ કરી રહ્યા છે કે તંત્રની બેદરકારીને કારણે પાણીમાં વાહનોને નુકસાન થાય તો તેની જવાબદારી કોણ લેશે?
એક જ મહિનામાં બીજી વખત જળબંબાકારની સ્થિતિ સર્જાતા ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ છે. સ્થાનિકોનું કહેવું છે કે બદરખા ગામમાં પાણીના કાયમી નિકાલ માટે તાત્કાલિક અને અસરકારક કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.

