VIDEO: ધોળકાના સરોડામાં ખેડૂતોએ 1 કલાક સુધી વનમંત્રી અર્જુન મોઢવાડિયાની કારને ઘેરી, પોલીસે બળપ્રયોગ કરી રસ્તો કરાવ્યો
અમદાવાદના ધોળકા તાલુકાના સરોડા ગામમાં વનમંત્રી અર્જુન મોઢવાડિયા અને ધારાસભ્ય કિરીટસિંહ ડાભીને ખેડૂતોના ઉગ્ર આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમયથી પડતર પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવા જતાં ખેડૂતોને પોલીસે અટકાવતા મામલો બિચક્યો હતો. મંત્રીની કાર રોકી ખેડૂતોએ એક કલાકથી વધુ સમય સુધી વિરોધ પ્રદર્શન કરી હલ્લાબોલ કર્યો હતો.
લાંબા સમયથી પડતર પ્રશ્નો ન ઉકેલાતાં ખેડૂતોએ મંત્રીની કાર રોકી
વન મંત્રી મોઢવાડિયા અને ધારાસભ્યની યાત્રા સરોડા ગામે પહોંચી ત્યારે સ્થાનિક ખેડૂતો પોતાની ન્યાયિક માંગણીઓ અંગે આવેદનપત્ર આપવા માંગતા હતા. જોકે, કાયદો અને વ્યવસ્થાનું કારણ ધરીને પોલીસે ખેડૂતોને મંત્રી સુધી પહોંચતા અટકાવ્યા હતા. આ વલણથી રોષે ભરાયેલા ખેડૂતો સભાસ્થળની બહાર જ એકઠા થઈ ગયા હતા અને મંત્રીની કારનો ઘેરાવ કર્યો હતો.
અંતે પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસ કાફલાએ બળપ્રયોગ કરી ખેડૂતોને રસ્તાની સાઈડમાં ખસેડ્યા હતા અને મંત્રી તેમજ ધારાસભ્યના કાફલાને ત્યાંથી રવાના કર્યો હતો.
આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનશે
ખેડૂતોએ જણાવ્યું હતું કે, 'અમે કોઈ અશક્ય માંગ નથી કરી રહ્યા, પરંતુ પોતાના હક માટે લડી રહ્યા છે. 17 ખેડૂતોને ખેતીલાયક સારી જમીન તાત્કાલિક પરત સોંપવામાં આવે. અસામાજિક તત્વોએ જે જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે તેને તાકીદે ખાલી કરાવવામાં આવે. ખેડૂતોની જમીન ટ્રાન્સફરની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સનદ આપવામાં આવી નથી, તો સનદ આપવામાં આવે.'
ખેડૂતોએ ચીમકી આપી છે કે જો માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

