VIDEO: ધોળકાના ભેટાવાડામાં સંઘર્ષ યથાવત, દુષિત પાણી રોકવા ગ્રામજનોએ પાળો બાંધ્યો
અમદાવાદ જિલ્લાના ધોળકાના ભેટાવાડા ગામે કેમિકલયુક્ત પાણીના નિકાલ મામલે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. નગરપાલિકા અને સ્થાનિક કંપનીઓ દ્વારા છોડાતા ગંદા પાણી સામે આસપાસના પાંચ ગામના લોકો છેલ્લા ૨૧ દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ આ દૂષિત પાણીનો પ્રવાહ રોકવા માટે ભેટાવાડા ગામે માટીનો મોટો પાળો બાંધી દીધો હતો. દરમિયાન, છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદ અને રોકાયેલા ગંદા પાણીને કારણે ગામમાં પૂર જેવી વિકટ સ્થિતિ સર્જાવાનો ભય ઊભો થયો હતો. આ સ્થિતિને પહોંચી વળવા આજે વહીવટી તંત્ર બે જેસીબી મશીન અને પોલીસ કાફલા સાથે પાળો તોડવા પહોંચ્યું હતું. તંત્રની આ કાર્યવાહી સામે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના ગ્રામજનો રસ્તા પર બેસીને ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. હાલ ઘટનાસ્થળે ભારે તંગદિલીનો માહોલ પ્રવર્તી રહ્યો છે, ત્યારે પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે.

