રાજકોટ : ગોંડલમાં પોતાનો વીમો પકવવા યુવકે મિત્રની હત્યા કરીને મૃતદેહ સળગાવ્યો
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા મહીકા ગામે બે દિવસ પહેલા અર્ધબળેલી સ્થિ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા મહીકા ગામે બે દિવસ પહેલા અર્ધબળેલી સ્થિતિમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે યુવકની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં હત્યારા યુવકે પોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરીને મૃતદેહ સળગાવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે હત્યારા યુવકની મદદ કરનારા એક બાળ આરોપીની અટકાયત કરી છે, જયારે ફરાર હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
શું બની હતી ઘટના?
રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં મોટા મહીકા ગામે બે દિવસ પહેલા સાંજે ખંઢેર જેવા મકાનમાં અર્ધ સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ પાસે કેટલાક કાગળો પડયા હતા, જેના આધારે જાણવા મળ્યું હતું કે આ 46 વર્ષીય હસમુખભાઈ મુળશંકર વ્યાસનો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે હસમુખભાઈના ભાઈએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો પણ નોંધાવ્યો હતો. બીજી બાજુ પોલીસે આ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે મોકલ્યો હતો.
વીમો પકાવવા પાડોશના રહેતા નિર્દોષ યુવકની હત્યા કરી
હત્યાની ઘટનાની આ તપાસ માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે હસમુખભાઈ વ્યાસે પોતાનો વીમો પકાવવા જામનગરમાં રહેતા તેના પાડોશી સંદીપગીરી અમૃતગીરી ગૌસ્વામીની ગળેટૂંપો દઈને હત્યા કરી નાખી હતી અને બાદમાં મૃતદેહને સળગાવી તેની બાજુમાં પોતાના ડોક્યુમેન્ટ્સ મૂકી દીધા હતા, જેથી પ્રાથમિક દૃષ્ટિએ કોઈને પણને એમ દેખાય કે આ મૃતદેહ હસમુખભાઈ વ્યાસનો છે.
અયોધ્યા જવાના બહાને હત્યારો મિત્રને મોટા મહીકા લઈ ગયો હતો
આ ઘટનામાં હત્યારો હસમુખભાઈ વ્યાસ તેના મિત્ર સંદીપગીરી ગૌસ્વામીને અયોધ્યા જવાનું છે એમ કહી ઘરેથી સાથે લઇ ગયો હતો. જો કે અયોધ્યાને બદલે મોટા મહીકા ગામે સંદીપગીરીને લઈ જઈને પ્રથમ ગળેટૂંપો દઈને હત્યા કરી નાખી હતી અને બાદમાં બાળ આરોપીની મદદ લઈને પેટ્રોલ છાંટીને મૃતદેહને સળગાવી દીધો હતો અને બાજુમાં પોતાના ડોક્યુમેન્ટ્સ મૂકી દીધા હતા.
બાળ આરોપીની અટકાયત, હત્યારો હસમુખ ફરાર
મૃતક સંદીપગીરીના પત્ની ગાયત્રીબેનની ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસે હત્યારા હસમુખભાઈ વ્યાસની ગુનામાં મદદ કરનારા શાપરના એક બાળ આરોપીની અટકાયત કરી છે, જયારે ફરાર હત્યારાને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.








