Video: જેતપુરના પીઠડીયામાં જેટકોની લાઈન મુદ્દે ખેડૂતો-અધિકારીઓ વચ્ચે ઘર્ષણ

સોર્સ: gstv

જેતપુર તાલુકાના પીઠડીયા ગામની સીમમાંથી પસાર થતી જેટકોની ૬૦ વર્ષ જૂની ૬૬ કે.વી. જેતપુર-મેવાસા લાઈન નંબર-૧ના વીજ તાર બદલવાની કામગીરી દરમિયાન ફરી વિવાદ સર્જાયો છે. ૨૧ સપ્ટેમ્બરે રોલર નાખ્યા બાદ વળતરના મુદ્દે કામ અટક્યું હતું. આજે પોલીસ પ્રોટેક્શન સાથે ટીમ પહોંચતા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા.

ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા ૬૦ વર્ષમાં ૬૦ થી ૭૦ વાર રિપેરિંગ માટે વાહનો લાવી ઊભા પાકને નુકસાન કરાયું છે, છતાં એક રૂપિયાનું પણ વળતર મળ્યું નથી. ૭/૧૨માં નોંધ હોવા છતાં અને લેખિત જાણ કે પરમિશન વિના ખેતરોમાં પ્રવેશી બળજબરીથી કામ કરાતું હોવાનો રોષ વ્યક્ત કરાયો છે. ખેડૂત આગેવાનોના મતે, અગાઉ ગામના હિત માટે લાઈન નાખવા દીધી હતી, પરંતુ હવે તેનો ઉપયોગ ખાનગી સોલાર અને પવનચક્કી માટે થઈ રહ્યો છે. અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી બાદ ખેડૂતોએ લેખિત નોટિસનો પુરાવો માંગ્યો છે અને વળતર ન મળે ત્યાં સુધી ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધની ચીમકી આપી છે.

જાહેરાત

બીજી તરફ, જેટકોના અધિકારી કહી રહ્યાં છે કે, આ કામગીરી કિસાન સૂર્યોદય યોજના  હેઠળ ખેડૂતોને દિવસે વીજળી આપવા અત્યંત જરૂરી છે. મેવાસા સબસ્ટેશનથી જામકંડોરણા સહિત ૪૦થી ૫૦ ગામોને વીજ પુરવઠો મળે છે અને લાઈન પર ભારણ હોવાથી કંડક્ટર બદલવા અનિવાર્ય છે. વારંવારના અવરોધને કારણે પોલીસ બંદોબસ્ત લેવો પડે છે.

કોઈ પણ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયામાં થતાં ઘર્ષણ અને ખેતરોમાંથી પસાર થતા કોઈ પણ પ્રોજેક્ટમાં વારંવાર સર્જાતી આ પ્રકારની સ્થિતિ ઘણા સવાલ ઉભા કરે છે. આ પ્રકારની વધતી ઘટનાઓ જે લોકોનો વિશ્વાસ સંપાદનમાં કરવામાં ઉણપ દર્શાવે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત