Rajkot/ યુવકનું અપહરણ કરી રૂ.1 કરોડની ખંડણી માંગતા આરોપીઓ ઝડપાયા
રાજકોટમાં અપહરણનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં યુવકનું અપહરણ કરી રૂ.1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આજીડેમ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને અપહરણકારોની ચુંગાલમાંથી યુવકને સલામત છોડાવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ, ગત 7મી તારીખે રાજકોટના ખોખડદળ નજીક મૂળ કણકોટના મુકેશ ઉધરેજીયા નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ મુકેશની જ કારમાં છરીની અણીએ તેને બેસાડી અપહરણ કર્યું હતું. ઘટનામાં ત્રણથી ચાર શખ્સ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
અપહરણ બાદ આરોપીઓએ મુકેશ પાસેથી રૂ.1 કરોડની ખંડણી માંગેલી હતી. બાદમાં રકઝક થતાં રૂ.10 લાખમાં મામલો નક્કી થયો હતો. રૂપિયા લેવા આરોપીઓ પહોંચતા જ આજીડેમ પોલીસે ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરી અને આરોપીઓને ઝડપી પાડ્યા. આ દરમિયાન આરોપીઓએ પોલીસને છરી બતાવી ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પોલીસની સતર્કતાથી તેઓ પકડાઈ ગયા.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે અપહરણનો મુખ્ય આરોપી વિજય ઉર્ફે લટારો ઉકેડિયા અને મુકેશ અગાઉ મારામારીના ગુનામાં સાથે જેલમાં રહ્યા હતા. તે સમયે વિજયનો જેલનો ખર્ચ મુકેશે ઉઠાવ્યો હતો, જેના આધારે વિજયને લાગ્યું કે મુકેશ પાસે મોટી રકમ હશે અને આ કારણે અપહરણની યોજના ઘડી હતી.
આ કેસમાં પોલીસે વિજય ઉર્ફે લટારો ઉકેડિયા, સંજય ઉર્ફે દાતી ચતુર સોલંકી અને સુરેશ કેશુભાઈ ઉકેડિયાની ધરપકડ કરી છે. અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલુ છે. અપહરણકારોને પકડવા દરમિયાન પોલીસ અને આરોપીઓ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

