Rajkot news: 5 કિમીની દોડ સમય મર્યાદા પહેલા પૂર્ણ કર્યા બાદ યુવકને આવ્યો હાર્ટ એટેક, સારવાર દરમિયાન તોડ્યો દમ

ગોંડલના SRP ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન 27 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. કોડીનારના રહેવાસી નીતિન ચૌહાણે પોલીસ ભરતી માટેની 5 કિમી દોડ 23 મિનિટમાં પૂર્ણ કરી પરીક્ષા પાસ કરી હતી. દોડ પૂર્ણ કર્યા બાદ ગ્રાઉન્ડ બહાર નીકળતા જ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.
મૃતક યુવાન BSC અને MSC સુધી અભ્યાસ કરેલો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ બનવાનું સપનું જોઈ રહ્યો હતો. સપનું પૂરું થયાની ગણતરીની મિનિટોમાં જ જીવન ગુમાવતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
અગાઉ ગોધરામાં ઉમેદવારનું નીપજ્યું હતું મોત
અગાઉ છોટાઉદેપુરમાં પોલીસ બનવાનું સપનું આંખોમાં લઈને આવેલા એક આશાસ્પદ યુવકનું ગોધરામાં રનિંગ ટેસ્ટ દરમિયાન મોત નીપજ્યું છે. કોલીયારી ગામનો 27 વર્ષીય જશપાલસિંહ રાઠવા શારીરિક કસોટી માટે વહેલી સવારે દોડી રહ્યો હતો, ત્યારે અચાનક શ્વાસ ચડતા તે જમીન પર ઢળી પડ્યો હતો. પુત્રને પ્રોત્સાહન આપવા આવેલા પિતાની નજર સામે જ જશપાલસિંહનું મૃત્યુ નીપજ્યું હતું. આ અચાનક બનેલી ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર મેદાનમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારમાં પણ શોકનો માહોલ સર્જાયો હતો. આ દુઃખદ ઘટનાનો ભોગ બનનાર યુવકનું નામ જશપાલસિંહ રાઠવા હતું અને તે છોટાઉદેપુર જિલ્લાના કોલીયારી ગામનો રહેવાસી હતો. શુક્રવારે વહેલી સવારે ગોધરાના એસ.આર.પી. ગ્રાઉન્ડ પર આયોજિત રનિંગ ટેસ્ટ દરમિયાન જશપાલસિંહ અચાનક શ્વાસ ચડતા જમીન પર ઢળી પડ્યો હતો.

