Video: ગોંડલના પ્રજાવત્સલ રાજવીને અનોખી અંજલિ: બે યુવતીઓએ 15 કલાક સુધી મહેનત કરીને બનાવી મહારાજની વિશાળ રંગોળી

સૌરાષ્ટ્રના ઐતિહાસિક શહેર ગોંડલની બે પ્રતિભાશાળી યુવતીઓએ રંગોની મદદથી એક એવો જાદુ સર્જ્યો છે, જેને જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા છે. ગોંડલના પ્રજાવત્સલ રાજવી મહારાજા સર ભગવતસિંહજી પ્રત્યેનો પોતાનો આદર અને શ્રદ્ધા વ્યક્ત કરવા માટે આ યુવતીઓએ રંગોળીના માધ્યમથી તેમનું આબેહૂબ અને જીવંત લાગતું પોટ્રેટ તૈયાર કર્યું છે.
15 કલાકની અથાગ મહેનત અને 7 કિલો રંગોનો ઉપયોગ
ગોંડલની અક્ષરધામ સોસાયટી (શેરી નંબર-3)માં રહેતી 23 વર્ષીય સિદ્ધિ ચિત્રોડા અને નિધિ પીઠવાએ સંયુક્ત રીતે આ ભવ્ય કલાકૃતિનું સર્જન કર્યું છે. બંને યુવતીઓએ પોતાની કલાત્મક સૂઝબૂઝ અને એકાગ્રતાથી 6x6 ફૂટની વિશાળ જગ્યામાં મહારાજા સર ભગવતસિંહજીની તસવીર રંગોળી સ્વરૂપે કંડારી છે. આ અદભુત પોટ્રેટને આખરી ઓપ આપવા માટે તેમને સતત 15 કલાક જેટલો સમય લાગ્યો હતો, જેમાં અંદાજે 6 થી 7 કિલો જેટલા વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સોસાયટીના રહીશો અને સ્થાનિક કલાપ્રેમીઓ આ જીવંત લાગતી રંગોળી નિહાળીને બંને દીકરીઓની કલાને બિરદાવી રહ્યા છે.
પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજીનો અમર વારસો
ગુજરાતના ઇતિહાસમાં ગોંડલ નરેશ મહારાજા સર ભગવતસિંહજી સગ્રામજી સાહેબ બહાદુરનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે. 24 ઓક્ટોબર 1865ના રોજ જન્મેલા મહારાજાએ નાની વયે જ રાજગાદી સંભાળીને ગોંડલને એક આદર્શ, આધુનિક અને સમૃદ્ધ રાજ્ય બનાવ્યું હતું. શિક્ષણ, આરોગ્ય, ઉત્તમ નગર આયોજન અને 'ભગવદ્ગોમંડળ' જેવા મહાન શબ્દકોશની ભેટ આપીને તેમણે પ્રજાના હૃદયમાં કાયમી સ્થાન મેળવ્યું છે. 9 માર્ચ 1944ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, પરંતુ તેમના લોકકલ્યાણના કાર્યો આજે પણ ગોંડલની પ્રજા માટે પ્રેરણારૂપ છે, જેની ઝલક આ યુવતીઓની અનોખી શ્રદ્ધાંજલિમાં જોવા મળી રહી છે.











