Video: અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની બેદરકારી સામે મુસાફરોમાં રોષ, ઉડાનના એક કલાક પહેલાં ફ્લાઇટ રદ

અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની કામગીરી સામે મુસાફરોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. અમદાવાદથી નાસિક જવા માટે ફ્લાઇટની ટિકિટ કન્ફર્મ હતી. મુસાફરોની બોર્ડિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હતી અને લગેજ પણ જમા કરાવી દેવામાં આવ્યો હતો. પરંતુ ઉડાનના માત્ર એક કલાક પહેલાં જ ફ્લાઇટ રદ કરવામાં આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.
મુસાફરોના જણાવ્યા મુજબ, છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થવાની જાણ કરવામાં આવી હતી. એટલું જ નહીં, નાસિક જવા માટે બીજી સીધી ફ્લાઇટની વ્યવસ્થા કરવાને બદલે અમદાવાદથી મુંબઈ અને ત્યારબાદ રોડ માર્ગે નાસિક પહોંચવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જેના કારણે મુસાફરોને વધારાનો સમય અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ સમગ્ર મામલે મુસાફર રાજેશ ટી. સોનીએ ઇન્ડિગો એરલાઇન્સની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે સવાલ કર્યો છે કે, બોર્ડિંગ અને લગેજની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફ્લાઇટ રદ કરવાની નોબત કેમ આવી? મુસાફરોને ઉડાનના એક કલાક પહેલાં જ જાણ કેમ કરવામાં આવી? અને મુસાફરોના સમય તથા આર્થિક નુકસાનની જવાબદારી કોણ લેશે?








