અગ્નિકાંડના વિરોધમાં કોંગ્રેસના રાજકોટ બંધના એલાનને વેપારીઓનું મળ્યું સમર્થન
Rajkot Gamezone Fire: રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં તા.25-05-2024 ના સર્જાયેલા માનવસર્જિત અગ

Rajkot Gamezone Fire: રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં તા.25-05-2024 ના સર્જાયેલા માનવસર્જિત અગ્નિકાંડને મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે મૃત્યુ પામેલા 27થી વધુ લોકોને માસિક પૂણ્યતિથિએ શ્રધ્ધાંજલિ આપવાની સાથે પદાધિકારીઓ, મનપા સિવાયના અન્ય ખાતાના જવાબદારો સામે પગલા લેવાની માંગ સાથે કોંગ્રેસે આજે મંગળવારે રાજકોટ બંધનું એલાન આપ્યું હતું. વેપારીઓએ મૃતકો આત્માની શાંતિ માટે અડધો દિવસ બંધ રાખવામાં આવ્યા હતા.
બંધના એલાનને વેપારીઓનું મળ્યું સમર્થન
રાજકોટમાં બંધના એલાનના પગલે શહેરમાં સ્વંભૂ બંધને સમર્થન આપાવામાં આવ્યું હતું. બંધના પગલે સતત અવરજવરવાળા રસ્તાઓ સૂમસામ બની ગયા હતા. આ બંધના એલાનમાં મોટાભાગના વેપારીઓએ સમર્થન આપ્યું હતું. કોંગ્રેસ ધારાસભ્ય સહિત આગેવાનોએ વેપારીઓને હાથ જોડીને બંધ પાળવા માટે વિનંતી કરી હતું. રાજકોટ બંધના એલાનમાં સોની બજારનું સમર્થન મળ્યું હતું.
આજે રાજકોટ શહેરને ખાનગી સ્કૂલો કોલેજો, વકીલ એ સોશિયલ, રાજકોટ ટી એસોસિએશન, રાજકોટ ચેમ્બર કોમર્સ, હોટલ એસોસિએશન, રિક્ષા એસોસિએશન, ટેક્સી એસોસિએશન, ઓટો કન્સલ્ટિંગ એસોસિએશન, ભક્તિનગર એસોસિએશન, ઇમિટેશન ઝવેરી એસોસિએશન, સોની બજાર એસોસિએશન, ધ સ્ટેશનરી એસોસિએશન, જંકશન-ગાયકવાડી વેપારી મંડળ, કોસિંગ એસોસિએશન, બાર એસોસિએશન સહિતના એસોસિએશને આજે કોંગ્રેસના બંને સમર્થન આપ્યું હતું અને રાજકોટ સજ્જડ બંધ જોવા મળ્યું હતું.
51 લોકોની અટકાયત કરવામાં આવી
સવારથી બંધના એલાનના પગલે જ્યાં દુકાનો અને બજારો ખુલી હોય ત્યાં કોંગ્રેસના આગેવાનો અને એનએસયુઆઈના કાર્યકરો બંધ કારવવા કામે લાગ્યા હતા. કાલાવડ રોડ ઉપર નકલંક ચા સહિતની દુકાનો ખુલી હોય જેને બંધ કરાવવા ગયેલા કોંગ્રેસના અને એનએસયુઆઈના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
પોલીસે પીડિત પરિવારના 1 વ્યક્તિ સહિત 51 લોકોની અટકાયત કરી હતી. 39 લોકોની માલવીયા નગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કર્યા બાદ CRPC 69 મુજબ છોડી મૂકવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા આજરોજ અડધા દિવસના બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
પોલીસકર્મીએ વેપારીઓની યાદી માંગી
બંધ પૂર્વે પોલીસ કર્મચારી એક વેપારી આગેવાનને ફોન કરીને તમામ વેપારીઓના નામ, સરનામા, નંબર સાથેની યાદી આપો તેમ કહેતા હોવાનો ઓડિયો વાયરલ થતા વિવાદ જાગ્યો હતો. ઓડિયોમાં પોલીસકર્મી વેપારીઓને ધરાર! બંધ કરાવવા કોંગ્રેસ પ્રયાસ નથી કરતી તે કન્ફર્મ કરવા આ યાદી મંગાઈ રહ્યાનું જણાવે છે, ત્યારે વેપારી અમને કોઈએ કશુ દબાણ કર્યું નથી તેમ જણાવે છે. આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશનર કચેરીએ ધસી ગયા હતા અને રજૂઆત કરી હતી.
અગ્નિકાંડમાં માત્ર મહાપાલિકાના અધિકારીઓની જ ધરપકડ
રાજકોટ આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે જણાવ્યું કે સરકારની સિટની તપાસમાં હરણીકાંડ હોય કે મોરબીનો ઝૂલતાપૂલ કે તક્ષશિલા અગ્નિકાંડ એકેયમાં લોકોને ન્યાય મળ્યો નથી. રાજકોટના અગ્નિકાંડમાં માત્ર ટીપીઓ સાગઠીયાને પકડ્યા પણ તેમના બોસને સરકાર છાવરી રહી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે આ અગ્નિકાંડમાં માત્ર મહાપાલિકાના અધિકારીઓની જ ધરપકડ કરાઈ છે, પોલીસ કે અન્ય ખાતાના અધિકારીઓ અને ખાસ કરીને પદાધિકારીઓને છાવર્યા છે. ટીપીઓ કે ફાયર ઓફિસરો શાસકપક્ષના બેકીંગ વગર આવું કરી શકે નહીં.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે બંધનું એલાન કોંગ્રેસ પ્રેરિત હોવાથી તેને ખુલ્લો ટેકો આપ્યો નથી પરંતુ, કોંગ્રેસને ચેમ્બરના સેક્રેટરીએ એક પત્ર લખી આપ્યો છે જેમાં વેપારીઓ અડધો દિવસ સ્વેચ્છાએ બંધ પાડે તેમ અપીલ કરાઈ છે.








