અમદાવાદ / રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલના ટ્રસ્ટી અને DEOના વિવાદને કારણે બાળકોનું ભવિષ્ય જોખમાયું, જાણો શું છે મામલો
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં રાજસ્થાન સેવા સમિતિ ટ્રસ્ટ સંચાલિત રાજસ્થાન હ

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં રાજસ્થાન સેવા સમિતિ ટ્રસ્ટ સંચાલિત રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલના ટ્રસ્ટી અને DEOના કારણે બાળકોનું ભવિષ્ય જોખમાયું છે. શાળામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલે ધોરણ-9ના વર્ગો બંધ કરી દીધા. શાળાના આ નિર્ણય સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. DEOએ શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સૂચના આપ્યાં છતા શાળાના સંચાલકો ધોરણ-9ના વર્ગો બંધ કરવા માંગે છે. હવે આ સમગ્ર મામલે રાજસ્થાન સ્કૂલના ટ્રસ્ટીના નિવેદનથી વિવાદ વધ્યો છે.
રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલના ટ્રસ્ટીનું નિવેદન
આ મામલે રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલના ટ્રસ્ટી દીપચંદ બાફલાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમદાવાદ DEOએ ધોરણ-9ના વર્ગોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બાબતે અમને લેખિતમાં કશું આપ્યું નથી. રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલના ટ્રસ્ટી અને DEO વચ્ચે મામલો ગુંચવાયો છે, પણ આ કારણે રાજસ્થાન સ્કૂલના બાળકોનું ભવિષ્ય જોખમાયું છે.
DEOએ શાળાની મુલાકાત લીધી હતી
રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ ગ્રાન્ટેડ છે. ધોરણ-9માં હિન્દી માધ્યમ બંધ કરી દેવા મામલે વાલીઓએ હોબાળો કર્યો હતો. વાલીઓએ આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેથી જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાની મુલાકાત લીધી હતી અને વર્ગ બંધ ન કરવા માટે આદેશ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સ્કૂલ બંધ કરવા કોઈ મંજૂરી લેવામાં આવી નથી. તથા ગ્રાન્ટેડ સ્કૂલ હોવાથી બંધ કરી શકાશે નહીં. જો વર્ગ પ્રમાણે વિદ્યાર્થીની સંખ્યા હોય તો એ વર્ગ ચાલુ જ રાખવા પડે. ગ્રાન્ટેડ શાળા માટે વિદ્યાર્થીઓઈની સંખ્યા 36 છે,એ પ્રમાણે જો સંખ્યા જળવાય તો શાળા ચાલુ જ રહેશે. શિક્ષકની જરૂરીયાત હોય તો સરકાર દ્વારા કરવામાં આવતી જ્ઞાન શહાયકની ભરતીમાંથી તેઓ લઈ શકે છે.
શા માટે ધોરણ-9માં પ્રવેશ બંધ કર્યો?
રાજસ્થાન સેવા સમિતિ દ્વારા આ જ શિક્ષક સંકુલમાં જ્ઞાનોદય હિન્દી પ્રાથમિક શાળા ચાલે છે. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ધોરણ-8માં પાસ થાય પછી સંસ્થાની જ રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં ધોરણ-9માં પ્રવેશ મેળવે છે. પણ હવે રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલે ધોરણ-9ના વર્ગોમાં પ્રવેશ આપવાનું બંધ કરી દીધું છે. આ અંગે શાળા સંચાલકોએ કારણ આપ્યું હતું કે સ્કૂલને કાયમી શિક્ષકો મળતા નથી. પણ બીજી બાજું શાળા સંચાલકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ તેમજ સરકાર પાસે પ્રવાસી જ્ઞાન સહાયકની પણ માંગણી કરી નથી.
એડમિશન માટે આવેલા વાલીઓને લિવિંગ સર્ટિ પકડાવી દેવાયા
વાલીઓએ કહ્યું હતું 23 એપ્રિલે જ્યારે એડમિશન માટે આવ્યા ત્યારે સ્કૂલના સંચાલકો દ્વારા લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દેવામાં આવ્યા હતા અને કહ્યું કે વિદ્યાર્થીઓને અહીંથી લઇ જાઓ. અમે ધોરણ-9માં વર્ગો બંધ કરી રહ્યાં છીએ. જ્યારે વાલીઓએ શાળાના સંચાલકોને સવાલ પૂછ્યો કે કેમ બંધ કરી રહ્યાં છો તો સંચાલકોએ ઉડતો જવાબ આપ્યો હતો કે અમારી પાસે શિક્ષક નથી. તમે 8મું ધોરણ, 10મું ધોરણ અને 11મું ધોરણ ભણાવી શકો છો પણ નવમા ધોરણ માટે શિક્ષક નથી.
1961થી કાર્યરત છે રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ
રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ એ રાજસ્થાન સેવા સમિતિ દ્વારા સંચાલિત છોકરીઓ અને છોકરાઓ બંને માટેની ઉચ્ચ માધ્યમિક શાળા છે. રાજસ્થાન સેવા સમિતિની સ્થાપના 1961માં સ્વ.ડૉ. જીવરાજ મહેતા દ્વારા ઉદ્ઘાટન કર્યા બાદ કરવામાં આવી હતી. રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા છે.
અહીં રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ ઉપરાંત જ્ઞાનોદય હિન્દી પ્રાથમિક શાળા, જ્ઞાનોદય અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા અને રાજસ્થાન અંગ્રેજી માધ્યમ ઉચ્ચતર માધ્યમિક શાળા - વિજ્ઞાન પ્રવાહનો સમાવેશ થાય છે.








