રેલવે તંત્રનું 'બુદ્ધિ પ્રદર્શન' અને ભાજપની શ્રમિક વિરોધી માનસિકતા: કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના આક્ષેપ
છઠ પૂજાના તહેવારને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર ભારત તર
છઠ પૂજાના તહેવારને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર ભારત તરફ જઈ રહેલા શ્રમિકોની ભારે ભીડ અને તેમને પડતી હાલાકી મામલે રેલવે તંત્રની બેદરકારી સામે આવી છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલવાલાએ રેલવે તંત્રના આયોજનને 'બુદ્ધિ પ્રદર્શન' ગણાવીને ભાજપ પર 'શ્રમિક વિરોધી માનસિકતા'નો આક્ષેપ કર્યો છે.
પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલવાલાએ જણાવ્યું કે, છેલ્લા 15 દિવસથી રોજેરોજ હજારોની સંખ્યામાં શ્રમિકો ઉધના રેલવે સ્ટેશન પર પોતાના વતન જવા માટે આવી રહ્યા હતા, પરંતુ રેલવે તંત્ર તરફથી તેમને કોઈપણ પ્રકારની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી નહોતી.
શ્રમિકોને ટ્રેનની રાહ જોતા 10 થી 20 કલાક સુધી તડકામાં જમીન પર બેસવા માટે મજબૂર થવું પડ્યું હતું. એટલું જ નહીં, ટ્રેન માટે જંગલ-ઝાંખરા વચ્ચે શૌચાલય કે પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી યાત્રીઓ ભારે હાલાકીમાં મુકાયા હતા.
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો કે, હવે જ્યારે મોટા ભાગના શ્રમિકોએ ભારે મુશ્કેલીઓ સહન કરીને ટ્રેન પકડી લીધી છે, ત્યારે સુવિધાઓ માટેની કાર્યવાહી કરવી તે 'ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા' જેવી સ્થિતિ છે. તેમણે તાત્કાલિક ધોરણે રેલવે તંત્રને મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં આવા બેદરકારીભર્યા આયોજન ન થાય તેની ખાતરી કરવા માંગ કરી છે.






