અમદાવાદમાં જાહેરમાં દારૂની પાર્ટીનો મામલો, તમામ આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ
અમદાવાદ શહેરમાં નબીરાઓ બેફામ બન્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર દારૂ પાર્ટીનો વીડિયો

અમદાવાદ શહેરમાં નબીરાઓ બેફામ બન્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર દારૂ પાર્ટીનો વીડિયો વાઈરલ થયો છે. ઈસ્કોન ચાર નજીક જાહેરમાં કેટલાક નબીરાઓએ દારૂ પાર્ટી કરી હતી. આ વીડિયો વાઈરલ થતા કાયદો વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરાયો
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ઈસ્કોન ચાર નજીક કેટલાક યુવાનો ખુલ્લેઆમ મ્યુઝિક વગાડીને દારૂની મહેફિલ માણી રહ્યા છે. પોલીસનો ડર રાખ્યા વિના ખુલ્લેઆમ નબીરાઓ દારૂ પાર્ટી કરી રહ્યા છે અને પોલીસની આબરૂના ધજાગરા ઊડાવી રહ્યાં છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયો છે. જેને જોયા બાદ લોકો સવાલ કરી રહ્યા છે કે ક્યાં છે દારૂબંધી?
ગણતરીના કલાકોમાં તમામ આરોપીની ધરપકડ
સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થયા બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. ઇસ્કોન શિવાલિક શિલ્પ બિલ્ડિંગ બહાર દારૂની મહેફિલ માણતા તમામ આરોપીઓની સેટેલાઈટ પોલીસ દ્વારા ધરપકડ કરી છે. આરોપીઓએ 7 માર્ચના રોજ દારૂની મેહફીલ માણી હતી જેના બાદ ઇન્સ્ટાગ્રામમાં સાગરમાફિયા99 એકાઉન્ટ પર દારૂ મેહફીલનો વિડીયો પોસ્ટ કર્યો હતો.
ધરપકડ કરાયેલ આરોપીઓ
1- પિયુષ દિનેશભાઈ મકવાણા - સેટેલાઇટ
2- પ્રકાશ મકવાણા - ઓગણજ
3- મયુર શાંતિભાઈ મકવાણા - વેજલપુર
4- મયંક સુરેશભાઈ મકવાણા - જુના વાડજ
5- હિરેન નટવરભાઈ સોલંકી - ઘુમા
6- અમિતસિંહ જાયેન્દ્રસિંહ ડાભી - નારણપુરા
7- સંજય ઉર્ફે સાગર પરમાર (સાગર ડોન) - બોપલ
8- પિયુષ ઉર્ફે નવાબ દિનેશભાઇ પરમાર
ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપીઓ
વીડિયો પોસ્ટ કરનાર વોન્ટેડ આરોપી સાગર પરમાર અને પિયુષ મકવાણા વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયા છે. આરોપી પિયુષ વિરુદ્ધ સુરેન્દ્રનગરના થાનગઢમાં રાયોટીંગ અને અમદાવાદના સેટેલાઈટમાં હત્યાના પ્રયાસનો ગુનો છે. જ્યારે આરોપી સાગર પિતામ્બર પરમાર ઉર્ફે સાગર ડોન વિરુદ્ધ સેટેલાઈટમાં હત્યાનો પ્રયાસ, બોડકદેવમાં ધમકી, રાણીપમાં હુમલાની અને વસ્ત્રાપુરમાં રાયોટીંગની ફરિયાદ નોંધાયેલ છે.








