સુરતમાં દિવ્યાંગોને અપાતી યોજનાઓના અમલા માટે રજૂઆત, ક્લેક્ટર કચેરીએ કરાઈ નારેબાજી
દેશભરમાં દિવ્યાંગોને અગ્રીમતા આપવાની વાત માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો સુરત કલેક્ટર કચેરીએ

દેશભરમાં દિવ્યાંગોને અગ્રીમતા આપવાની વાત માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો સુરત કલેક્ટર કચેરીએ જોવા મળ્યાં હતાં. સરકારે દિવ્યાંગોને મદદરૂપ થવા અનેક યોજનાઓ બહાર પાડી છે. પરંતુ સરકારી અધિકારીઓ દિવ્યાંગોને આ યોજનાનો લાભ આપવા માંગતા નથી તેવા આક્ષેપ સાથે સુરતમાં કલેકટર કચેરી ખાતે પહોંચ્યા દિવ્યાંગ લોકોએ દેખાવો કરીને રજૂઆત કરી હતી.
સત્વરે લાભ આપવા રજૂઆત
અંત્યોદય યોજના અંતર્ગત અધિકારીઓ લાભ ન આપતા હોવાની દિવ્યાંગોની રજૂઆત છે. ધ્રુજતા પગ હાથમાં લાકડી અને એકબીજાના સહારે કલેક્ટર કચેરીમાં આવી દિવ્યાંગોએ કરી જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. દિવ્યાંગોએ જણાવ્યું કે સરકાર યોજના બહાર પાડે છે પરંતુ અધિકારીઓ તેનો લાભ આપતા નથી. જેથી અધિકારીઓ સત્વરે લાભ આપે તે જરૂરી છે.
શરમજનક ઘટના-દિવ્યાંગો
હસમુખભાઈ ચોપડાએ કહ્યું કે, અંત્યોદય અને બીપીએલ કાર્ડ યોજનાનો લાભ મળતો નથી. રજૂઆત કરવા છતાં પાંચ- છ મહિનાથી માત્ર કાગળ પર જ કાર્યવાહી ચાલી રહી છે. અમારે અમારો હક્ક માગવા માટે આવવું પડે તે શરમજનક ઘટના કહેવાય. અમારે કેટલી તકલીફ પડતી હોય છે. અમારે સહારા વગર ચાલી શકાતું નથી ત્યારે અહિં ન આવવું પડે તે જરૂરી છે. અમે દરેક ઝોનમાંથી આવ્યા છીએ. તકલીફો વેઠીને એટલે અમારી તકલીફોમાં ઘટાડો થાય તે જરૂરી છે.








