વર્ષ 2035માં ગુજરાતના 75 વર્ષની ઉજવણીનો રોડમેપ તૈયાર કરોઃ PM MODI
પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી ભારતીય સેનાએ ગૌરવ વધાર્

પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી ભારતીય સેનાએ ગૌરવ વધાર્યું છે. ત્યારે આ ઓપરેશન સિંદુરની સફળતા બાદ પહેલી વખત ગાંધીનગર આવેલા વડાપ્રધાને રોડ શો યોજ્યા બાદ મહાત્મા મંદિરમાં ₹5,536 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન પીએમ મોદી ગુજરાત શહેરી વિકાસની 20મી વર્ષગાંઠના સમારોહમાં લોકોને સંબોધિત કરવા દરમિયાન ગુજરાતના અમૃત મહોત્સવની જાહેરાત કરી હતી. વર્ષ 2035માં ગુજરાતના 75 વર્ષની અનોખી ઉજવણી થવી જોઈએ. એના માટે અત્યારથી તૈયાર થઈ જાઓ.
વર્ષ 2035માં જ્યારે ગુજરાતના 75 વર્ષ થશે ત્યારે ગુજરાત ક્યા પહોંચશે તેનો રોડમેપ તૈયાર કરવો જોઇએ. આપણે સંકલ્પ લેવો જોઇએ. ગુજરાત 75 વર્ષનું થાય તેના એક વર્ષ બાદ જે ઓલિમ્પિક યોજાવાનું છે તે ઓલિમ્પિક દેશ ઇચ્છે છે ભારતમાં યોજાય. જે રીતે આપણું આ લક્ષ્ય છે કે આપણે જ્યારે ગુજરાતના 75 વર્ષ થઇ જાય તેની અનોખી ઉજવણી કરીએ.
જ્યારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું ત્યારે કેવી ચર્ચાઓ થતી હતી? ગુજરાત અસ્તિત્વમાં આવ્યું તે સમયના અખબાર કાઢીને જુવો. શું ચર્ચા થતી હતી કે ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થઇને શું કરશે? ગુજરાત પાસે શું છે, દરિયો છે, ખારો પાટ છે, રણ છે, બીજી તરફ પાકિસ્તાન છે.ગુજરાત પાસે કોઇ મિનરલ નથી તે કેવી રીતે પ્રગતિ કરશે. આવી ચર્ચાઓ થતી હતી.
એક જમાનામાં ગુજરાતમાં નમકથી ઉપર કંઈ નહોતું. આજે દુનિયાને હીરા માટે ગુજરાત ભણી નજર નાંખવી પડે છે. ક્યાં નમક અને ક્યાં હીરા... વાઈબ્રન્ટ ગુજરાતે ગુજરાતની કાયાપલટ કરી છે. ગુજરાતની પ્રગતિ આજે વિશ્વ નિહાળી રહ્યું છે.






