મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણામાં પ્રસૂતાએ હોસ્પિટલ જતાં રસ્તામાં જ આપ્યો બાળકને જન્મ, 108ની મદદથી બંને સુરક્ષિત

મહેસાણા જિલ્લાની વલાસણા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે ફરી એકવાર તત્પરતા અને સુઝબૂઝપૂર્વક કામગીરી કરી

મહેસાણામાં પ્રસૂતાએ હોસ્પિટલ જતાં રસ્તામાં જ આપ્યો બાળકને જન્મ, 108ની મદદથી બંને સુરક્ષિત

મહેસાણા જિલ્લાની વલાસણા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે ફરી એકવાર તત્પરતા અને સુઝબૂઝપૂર્વક કામગીરી કરી હતી. જેમાં તેમણે પ્રસૂતાની રસ્તામાં જ તાકીદે ડિલિવરી કરાવી અને માતા-બાળકના જીવ બચાવ્યા હતા. તાજેતરમાં વડનગર તાલુકાના ઉન્ડની ગામે એક ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવારની જરૂર હતી, અને ૧૦૮ ટીમે તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી.

ઘટનાના વિગતવાર વર્ણન અનુસાર, 22મી ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 05:51 કલાકે, ઉન્ડની ગામની એક 26 વર્ષની ગર્ભવતી મહિલાને તીવ્ર પ્રસૂતિ પીડા શરૂ થઈ. તેના પરિવારજનો તેને Ecco કારમાં હોસ્પિટલ લઈ જવા નીકળ્યા, પણ રસ્તામાં મહિલાની તબિયત વધુ ખરાબ થવા લાગી.

આકસ્મિક પરિસ્થિતિને જોઈ, પરિવારજનોએ તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ પર ફોન કરીને મદદ માગી. વલાસણા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ, જેમાં પાઇલોટ બાબુસિંહ રાઠોડ અને ઈ.એમ.ટી. હાર્દિક પ્રજાપતિ હતા, જેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.

જ્યારે એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી, તે સમયે મહિલાને અતિશય તીવ્ર દુખાવો હતો, અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવું શક્ય ન હતું. સ્ત્રીની તબિયત બગડી રહી હોવાથી, ૧૦૮ ટીમે સ્થળ પર જ પ્રોસેસ શરૂ કરી. ઈ.એમ.ટી. હાર્દિક પ્રજાપતિએ ઈઆરસીપી (ERCP) પદ્ધતિથી સુરક્ષિત ડિલિવરી કરાવી, અને બાળકનો જન્મ થયો.

૧૦૮ ટીમે નવજાત બાળકને ‘કંગારૂ મધર કેર’ દ્વારા ગરમ રાખી તાકીદની તબીબી સારવાર આપી, જેથી નવજાતનું તાપમાન નિયમિત રહે. માતા અને બાળક બંનેને વડનગર સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા.

પરિવારજનો અને ગામ લોકોએ 108ની ટીમનો માન્યો આભાર

મહિલાના પરિવારજનો અને ગામલોકોએ ૧૦૮ ટીમની કાર્યશૈલી અને માનવતાવાદી સેવાની હ્રદયપૂર્વક પ્રશંસા કરી હતી. શ્રેણીબદ્ધ અને સજાગ કામગીરીના કારણે માતા અને બાળક બંને સુરક્ષિત છે, જે ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમની વ્યાવસાયિકતા અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આ સમાચાર શેર કરો