Anjar Murder Mystery: અંજારના ચંદિયા ગામની ગર્ભવતી પ્રેમિકાની હત્યા કરી કૂવામાં ફેંકી, પ્રેમી અને મિત્રની ધરપકડ
Anjar Murder Mystery: કચ્છ જિલ્લાના અંજાર તાલુક

Anjar Murder Mystery: કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ચંદિયા ગામે એક હૃદયદ્રાવક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક પ્રેમીએ પોતાની ગર્ભવતી પ્રેમિકાને ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશને વજનદાર પથ્થર સાથે બાંધી ૫૫ ફૂટ ઊંડા કૂવામાં ફેંકી દીધી હતી. અંજાર પોલીસે ભૂજ ફાયર બ્રિગેડની મદદથી ભારે જહેમત બાદ લાશ બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેમ સંબંધ અને દગો
પોલીસના જણાવ્યા અનુસાર, ચંદિયા ગામે રહેતી 18 વર્ષીય રાધા સથવારા (દેવીપૂજક)ને નજીકના મિંદીયાળા ગામના રાજેશ રબારી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી રાજેશે રાધાને લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ દરમિયાન રાધા ગર્ભવતી બની હતી.
હત્યાની મોડસ ઓપરેન્ડી
રાધાએ જ્યારે રાજેશ પર લગ્ન કરવા માટે દબાણ કર્યું, ત્યારે રાજેશ તેને ટાળવા લાગ્યો હતો. બંને વચ્ચે આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. આખરે પોતાની પાપલીલા છુપાવવા માટે રાજેશે પોતાના એક મિત્રની મદદથી રાધાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પાપનો પુરાવો છુપાવવા માટે તેઓએ લાશને વજનદાર પથ્થર સાથે બાંધી ગામના જ એક કૂવામાં ફેંકી દીધી હતી જેથી લાશ ઉપર ન આવે.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ અંજાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કૂવામાં 55 ફૂટ ઊંડું પાણી હોવાથી ભૂજ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી રાજેશ રબારીની અટકાયત કરી છે અને તેના સાગરીતની શોધખોળ શરૂ કરી છે.






