રક્ષાબંધનનું રાજકારણ! ભાજપના મોંઘેરી સાડીવાળા મહિલા નેતાએ તોડી વર્ષો જૂની પરંપરા
રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં બહેન ભાઈને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વન

રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં બહેન ભાઈને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરતી હોય છે પરંતુ આ રાજકીય નેતાઓ પોતાની લાલસા અને વાહવાહી મેળવવા કઈ હદ સુધી જાય છે તે વિચારવા જેવું છે.
ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. તેમાં ગુજરાત પ્રદેશ ભાજપની મહિલાઓ તેમજ વિવિધ અનેક મહિલાઓએ રક્ષાબંધનમાં ભાગ લીધો હતો. પરંતુ મહત્ત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે ગાંધીનગર ખાતે રક્ષાબંધનની ઉજવણી કરતા હતા અને તેમાં મુખ્યમંત્રીને સૌથી પહેલી રાખડી બ્રહ્મકુમારીની સાધવી બહેનો દ્વારા બાંધવામાં આવતી હતી. આ પરંપરા છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં ચાલી આવતી હતી પરંતુ મુખ્યમંત્રીને વ્હાલા થવા પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ આ પરંપરાને ગોળીને પી ગયા છે.
છેલ્લા બે વર્ષથી પ્રદેશ ભાજપના મહિલા મોરચાના પ્રમુખે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પ્રથમ રાખડી બાંધી આ પરંપરાનો અંત લાવી દીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેજ ઉપર આવે તે પહેલા જ તેમના એક મહિલા નેતા દ્વારા માઇકમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે કે સૌપ્રથમ મુખ્યમંત્રીને ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન રાખડી બાંધે ત્યારબાદ તમામ મહિલાઓએ અને બ્રહ્મકુમારીની સાધવી બહેનોએ રાખડી બાંધવાની રહેશે.
જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સૌપ્રથમ બ્રહ્માકુમારીની સાધવી બહેનો મુખ્યમંત્રીને રાખડી બાંધે અને મુખ્યમંત્રીને આશીર્વાદ આપી અન્ય બહેનો રાખડી બાંધતી હતી. ગઈકાલે રક્ષાબંધનના પર્વની જે ઉજવણી થઈ તેમાં પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખે માઇકમાં જાહેરાત કરાવી કે તેઓ પહેલા રાખડી બાંધશે. ત્યારે બ્રહ્માકુમારીની સાધવી બહેનોએ મંડપમાં બેઠા બેઠા જાપ કર્યા.
આમ પ્રદેશમાં તેમજ મહિલા મોરચામાં પોતાનો રોફ જમાવવા માટે થઈને મુખ્યમંત્રીને પ્રથમ રાખડી બાંધી બ્રહ્માકુમારી સાધવી બહેનોને 30 મિનિટથી વધુ સમય રાખડી બાંધવા માટે રાહ જોવી પડી. ગયા વર્ષે પણ આ જ પ્રકારનો બનાવ બન્યો હતો અને મહિલા મોરચાના પ્રમુખે ગયા વર્ષે પણ પ્રથમ રાખડી બાંધી હતી અને બ્રહ્માકુમારીની સાધવી બહેનોને રાહ જોવી પડી હતી.
આમ તો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈઓને રાખડી બાંધવા માટે હોય છે પરંતુ આ નેતાઓ પોતાની વાહવાહી લૂંટાવી તેઓ મુખ્યમંત્રીના ખૂબ નજીકના નેતા છે તેમ કહેવાય તે માટે થઈને વર્ષોથી ચાલતી આવતી ગુજરાતની પરંપરા ઘોળીને પી ગયા છે.








