બનાસકાંઠામાં શિક્ષકે કરેલા આપઘાતમાં DEO સહિત 6 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
બનાસકાંઠામાં ગુમ થયેલા શિક્ષકનો મૃતદેહ નર્મદાની કેનાલમાંથી મળી આવતા ચકચ

બનાસકાંઠામાં ગુમ થયેલા શિક્ષકનો મૃતદેહ નર્મદાની કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ભરત પરમાર નામના શિક્ષક શુક્રવારે (14 માર્ચ) ઘરે કંઈપણ કહ્યા વિના નીકળી ગયા હતાં. ઘરેથી નીકળતા પહેલાં તેમણે એક સ્ટેટસ મુક્યું હતું, જેમાં લખ્યું હતું કે, હું નિર્દોષ છું. મારા વિરોધમાં ષડયંત્ર રચવામાં આવ્યું છે. ગણેશભાઈ, લાલજીભાઈ અને ગણપતભાઈએ ષડયંત્ર રચ્યું છે. આ તમામ ઘટના બાદ તેમનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો.
ડમી વિદ્યાર્થી કાંડમાં નામ સામે આવ્યું હતું
મળતી માહિતી મુજબ, આ શિક્ષક બનાસકાંઠામાં થરાદની પઠામડા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં. થરાદ ડમી વિદ્યાર્થી કાંડમાં ભરત પરમારનું નામ સામે આવ્યું હતું. શિક્ષણ વિભાગે ભરત પરમારને દોષી ઠેરવતા તેમણે આપઘાતનો નિર્ણય કર્યો હતો. આ મામલે પોલીસે શિક્ષકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર મામલે આત્મહત્યાનો ગુનો દાખલ કરી તપાસ હબાથ ધરી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
જોકે, સમગ્ર મામલે હવે મૃતક શિક્ષકના પરિવારજનોએ પણ થરાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પોલીસ ફરિયાદમાં પરિવારજનોએ બનાસકાંઠાના DEO સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિવારનો આરોપ છે કે, આ તમામ લોકોએ ભરત પરમારને આત્મહત્યા માટે દુષપ્રેરિત કર્યા હતાં. પોલીસે પરિવારની ફરિયાદ દાખલ કરી તે આરોપ પર પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ આ અંગે વધુ ખુલાસા થાય તેવી સંભાવના છે.








