વડોદરામાં સગીરા પર દુષ્કર્મ કરનાર બે આરોપીઓની પોલીસે ઇન્સ્ટાગ્રામની મદદથી કરી ધરપકડ
સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ આરોપીઓને પણ ભારે પડે છે. વડોદરામાં આવી બે ઘટનાઓ ઘટી છે, જેમાં

સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ આરોપીઓને પણ ભારે પડે છે. વડોદરામાં આવી બે ઘટનાઓ ઘટી છે, જેમાં બે સગીરા પર દુષ્કર્મની ઘટનાઓમાં પોલીસે સોશિયલ મીડિયાની મદદથી આરોપીઓને પકડી પાડ્યા છે. સગીરાને લઈને ફરાર થઇ ગયેલા આ બંને આરોપીઓએ ઇન્સ્ટાગ્રામમાં લોગીન કરતાની સાથે જ પોલીસે તેમનું પગેરું ગોતીને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓના કૉલ ડિટેલ રેકોર્ડ-CDR અને ઈન્ટરનેટ પ્રોટોકોલ ડિટેલ રેકોર્ડ-IPDRને આધારે તેમના સુધી પહોંચી હતી. પોલીસે બંને આરોપીઓને પકડી તેમના વિરુદ્ધ POCSO સહિતની કલમો હેઠળ ગુના નોંધ્યા છે.
પ્રથમ ઘટના : આરોપીની સાંણદથી ધરપકડ
મકરપુરામાં રહેતા આરોપી વનરાજસિંહ પરમારે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી 9 ઓક્ટોબરના રોજ અપહરણ કર્યું હતું. આરોપી સગીરાને અમદાવાદના સાણંદ લઇ ગયો હતો જ્યાં રૂમ ભાડે રાખી સગીરાને સાથે રાખીને રહેવા લાગ્યો હતો અને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
આરોપી અને સગીરા બંને ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યાં હતા. આથી પોલીસ આરોપીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર નજર રાખી હતી. આરોપીએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર લોગઈન કરતા જ પોલીસને CDR અને IPDR ડેટાના આધારે તેનું લોકેશન મળી ગયું હતું. પોલીસે લોકેશન પર જઈને સાણંદથી આરોપીની ધરપકડ કરી હતી અને સગીરાને મુક્ત કરાવી હતી.
બીજી ઘટના : આરોપીની મુંબઈથી ધરપકડ
22 વર્ષીય આરોપી ચિરાગ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. આરોપી સગીરાને ભગાડીને વડોદરાથી પાવાગઢ ગયો હતો અને ત્યાંથી ગોવા ગયો હતો. ગોવાથી મુંબઈ ગયો હતો, જ્યાં ભાડે ઘર રાખીને મજૂરીકામ કરવા લાગ્યો હતી અને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. પ્રથમ આરોપી વનરાજસિંહ પરમારની જેમ પોલીસે આ આરોપીને ઇન્સ્ટાગ્રામ આઈડી ટ્રેસ કરીને ધરપકડ કરી હતી. પોલીસે આ આરોપી વિરુદ્ધ POCSO એક્ટ સહિત BNS 87, 65(1), 64(2) કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે આરોપી ચિરાગને મદદ કરનાર રોહિત, વિકી અને શ્રદ્ધા નામના ત્રણ લોકો સામે પણ ગુનો નોંધ્યો છે.






