અમદાવાદ : મંગેતરના કારણે ફિઝિયોથેરાપીસ્ટ યુવતીએ કર્યો આપઘાત, સ્યુસાઈડ નોટમાં થયા મોટા ખુલાસા
અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં ફિઝિયોથેરાપીસ્ટ તરીકે કામ કરતી યુવતીએ પોતાની નોકરીના સ્થળે જ ગળેફાંસો

અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં ફિઝિયોથેરાપીસ્ટ તરીકે કામ કરતી યુવતીએ પોતાની નોકરીના સ્થળે જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. યુવતીએ આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી, જેમાં મોટા ખુલાસા થયા છે.
મંગેતરે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું અને બાદમાં સગાઈ તોડી નાખી
આ યુવતીએ તેના મંગેતર રજનીકાંત પ્રજાપતિને કારણે આપઘાત કર્યો છે. યુવતીની સગાઈ 17 એપ્રિલ 2024ના રોજ BHMS ડોક્ટર રજનીકાંત પ્રજાપતિ સાથે સમાજના રીતરિવાજ મુજબ થઈ હતી. સ્યુસાઈડ નોટમાંથી મળેલી માહિતી પ્રમાણે આ યુવતીના મંગેતર યુવક રજનીકાંત પ્રજાપતિએ સગાઈ તોડી નાખવાની ધાકધમકી આપીને અનેકવાર મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, આ યુવતીને અંધારામાં રાખી તેના મંગેતર રજનીકાંત પ્રજાપતિએ અન્ય એક યુવતી સાથે પણ આડા સંબંધ બનાવ્યા હતાં. જેની જાણ થતા મૃતક યુવતીએ આરોપીને આવું ન કરવાનું કહેતા તેણે મૃતક યુવતીને જ તરછોડી દીધી હતી.
યુવકે ફોન ઉપાડવાનું બંધ કર્યું અને તેના માતાપિતા સગાઈ તોડી ગયા
મૃતક યુવતીને તરછોડ્યા બાદ મંગેતર યુવક રજનીકાંત પ્રજાપતિએ તેના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. યુવતીના માતાપિતાએ રજનીકાંતના માતાપિતાને આ બાબતે ફરિયાદ કરતા તેઓ પણ યુવતીના ઘરે આવીને સગાઈ તોડીને ગયા હતા. સગાઈ તૂટવાના કારણે યુવતી ડિપ્રેશનમાં પહોંચી ગઈ હતી તેણે ખાવા-પીવાનું પણ બંધ કરી અને પરિવારજનો સાથે વાતચીત કરવાનું પણ બંધ કરી નાખ્યું હતું અને અંતે ખોટું પગલું ભરી લીધું.
પોલીસે મંગેતર યુવકની ધરપકડ કરી
આ સમગ્ર મામલે મૃતક યુવતીની સ્યુસાઈડ નોટના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે રજનીકાંત પ્રજાપતિની ધરપકડ કરી તેના વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.






