Video: Patan માં સક્રિય થઈ પશુ ચોર ટોળકી, નોરતા ગામે પાડો ચોરી કરી ભાગતા અકસ્માત નડ્યો, ગાડી મૂકી ચોર ફરાર
શિયાળાની શરૂઆત થતાની સાથે જ પાટણ પંથકમાં પશુ ચોર ટોળકી ફરી સક્રિય બની હોવાના સમાચાર સામે આવ્યા છે. પાટણ નજીક આવેલા નોરતા ગામે ચોરીનો એક ચોંકાવનારો પ્રયાસ થયો હતો, જે ગામ લોકોની સતર્કતાને કારણે નિષ્ફળ ગયો હતો.
પાડો ચોરી કરીને ભાગવાનો પ્રયાસ
મોડી રાત્રે ચોર ટોળકી નોરતા ગામે આવી પહોંચી હતી અને એક ઘરની પાછળ બાંધેલો એક પાડો ચોરી કરી ગાડીમાં નાખીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મકાન માલિક ઠાકોર રમુજી જાગી જતાં તેમણે ચોરોનો પીછો કર્યો હતો. મકાન માલિકે પીછો કરતાં ગભરાયેલી ચોર ટોળકીની ગાડી અનિયંત્રિત બની અને ચોકડીમાં ઉતરી જતાં અકસ્માત નડ્યો હતો.
ગાડી મૂકીને ટોળકી ફરાર
અકસ્માત થતાં પશુ ચોર ટોળકી તેમની ગાડી ઘટનાસ્થળે મૂકીને ત્યાંથી ભાગી છૂટી હતી. સ્થાનિકો અને મકાન માલિકે ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. નજીકનું પશુ ભરેલું વાહન મળતાં પોલીસે ચોર ટોળકીને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

