અમૃતસર-જામનગર કોરિડોર પર સેનાના ચાર માઇક્રોલાઇટ એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ અને ટેક-ઓફ

અમૃતસર-જામનગર કોરિડોર પર સેનાના ચાર માઇક્રોલાઇટ એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ અને ટેક-ઓફ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેશના સંરક્ષણ અને માર્ગ પરિવહન ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચાયો છે. ગુજરાતમાં અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર (NH-754A) પર ભારતીય સેનાના ચાર માઇક્રોલાઇટ એરક્રાફ્ટે સફળતાપૂર્વક લેન્ડિંગ અને ટેક-ઓફ કર્યું છે. નેશનલ હાઇવેનો કટોકટીના સમયે એરસ્ટ્રીપ (રન-વે) તરીકે ઉપયોગ થઈ શકે છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.\

પાટણના સાંતલપુર નજીક દિલધડક ઓપરેશન

આ કાફલામાં બે ફિક્સ્ડ-વિંગ માઇક્રોલાઇટ એરક્રાફ્ટ અને બે પાવર્ડ હેંગ ગ્લાઇડર્સ સામેલ હતા. આ ચારેય વિમાનોએ કંડલા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલા બાકુત્રા ટોલ પ્લાઝા નજીક હાઇવે પર ઉતરાણ કર્યું હતું. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેશનલ હાઇવે પર ચાર વિમાનોના કાફલાનું આ પ્રથમ સફળ લેન્ડિંગ અને રિફ્યુઅલિંગ (ઈંધણ ભરવાનું) ઓપરેશન હતું.

જાહેરાત

નીતિન ગડકરીએ વીડિયો શેર કરી પાઠવ્યા અભિનંદન

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ કવાયતનો વીડિયો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "'વિંગ્સ ઓફ વેલોર એન્ડ યુનિટી' અભિયાનમાં ભાગ લઈ રહેલી ભારતીય સેનાની 'ટીમ માઉન્ટેન ઇગલ્સ' દ્વારા ગુજરાતમાં ચેઇનેજ કિમી ૯૪૬ અને ૯૪૯ વચ્ચે હાઇવે પર સફળ લેન્ડિંગ અને ટેક-ઓફ કરવામાં આવ્યું છે."


ગડકરીએ વધુમાં ઉમેર્યું હતું કે: આ ઐતિહાસિક સિદ્ધિ ભારતીય સેના અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) વચ્ચેના મજબૂત તાલમેલને દર્શાવે છે.
•    વિશ્વકક્ષાના હાઇવે માત્ર આર્થિક વિકાસ જ નહીં, પરંતુ આપણા સશસ્ત્ર દળોની વ્યૂહાત્મક અને ઓપરેશનલ જરૂરિયાતો પૂરી કરવા માટે પણ સક્ષમ છે.
•    યોગ્ય સુરક્ષા વ્યવસ્થા સાથે ભવિષ્યમાં આવા હાઇવે એરો-એડવેન્ચર અને પ્રવાસન પ્રવૃત્તિઓને પણ વેગ આપી શકે છે.

અભિયાનની વિશેષતા

NHAI દ્વારા સ્થાનિક વહીવટીતંત્ર અને સેનાના સહયોગથી ટ્રાફિક મેનેજમેન્ટ અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અભિયાનનું આયોજન મધ્યપ્રદેશના મહુ ખાતે આવેલી મિલિટરી કોલેજ ઓફ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ (MCTE)ના આર્મી એડવેન્ચર નોડલ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું છે.
ગત ૧૪ નવેમ્બરે શરૂ થયેલી આ યાત્રા મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં ભ્રમણ કર્યા બાદ આગામી ૨૮ નવેમ્બરે મહુ ખાતે સંપન્ન થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત