કચ્છના નાના રણમાં કુદરતી સંપદાની ખુલ્લેઆમ લૂંટ?, ગેરકાયદે ટ્યુબવેલ મામલે છ મહિનામાં રિપોર્ટ રજૂ કરવા NGTનો આદેશ

કચ્છના નાના રણમાં કુદરતી સંપદાની ખુલ્લેઆમ લૂંટ?, ગેરકાયદે ટ્યુબવેલ મામલે છ મહિનામાં રિપોર્ટ રજૂ કરવા NGTનો આદેશ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કચ્છના નાના રણમાં કુદરતી સંપત્તિની લૂંટનો ગંભીર મામલો સામે આવ્યો છે. એક તરફ પેઢીઓથી રણમાં મીઠું પકવીને આજીવિકા મેળવતા આશરે 300 મૂળ અગરિયાઓ છે, તો બીજી તરફ 1200થી વધુ ગેરકાયદે ટ્યુબવેલ ધમધમી રહ્યા હોવાના આક્ષેપો છે. ભૂગર્ભજળનો બેફામ ઉપાડ કરતા આ ટ્યુબવેલ સંચાલકો સામે હવે માત્ર પાણીની લૂંટ જ નહીં, પરંતુ પ્રકૃતિ સાથે ચેડાં કરવાનો અને લૂણી નદીના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભો કરવાનો પણ ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. સવાલ એ છે કે કચ્છના રણની કુદરતી સંપત્તિ પર કોનો કબજો છે? અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ છતાં આ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કેમ થતી નથી?

પર્યાવરણ સામે મોટો ખતરો

જાહેરાત

કચ્છનું નાનું અને મોટું રણ માત્ર રણપ્રદેશ નથી, પરંતુ વિશિષ્ટ કુદરતી પર્યાવરણ અને અગરિયાઓની આજીવિકાનું કેન્દ્ર છે. અહીં પેઢીઓથી અગરિયાઓ મીઠું પકવવાની કામગીરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ હવે આ જ વિસ્તારમાં ગેરકાયદે ટ્યુબવેલ, ભૂગર્ભજળના અનધિકૃત ઉપાડ, જમીન પર દબાણ અને કુદરતી જળપ્રવાહ સાથે ચેડાં થવાના આક્ષેપોએ પર્યાવરણ સામે મોટો ખતરો ઊભો કર્યો છે.

રણ વિસ્તારમાં આશરે 300 મૂળ અગરિયાઓની સામે 1200થી વધુ ગેરકાયદે ટ્યુબવેલ કાર્યરત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો આ આંકડો સત્તાવાર તપાસમાં સાચો સાબિત થાય તો રણ વિસ્તારમાં ભૂગર્ભજળના અનધિકૃત ઉપાડનું પ્રમાણ કેટલું મોટું હોઈ શકે તેનો અંદાજ લગાવી શકાય છે.

ભૂગર્ભજળની લૂંટ બાદ હવે લૂણી નદીના પ્રવાહ સાથે પણ ચેડાં?

આ સમગ્ર મામલામાં સૌથી ગંભીર બાબત લૂણી નદીના કુદરતી પ્રવાહને લઈને છે. આક્ષેપો મુજબ, ગેરકાયદે ટ્યુબવેલ ચલાવતા ભૂમાફિયાઓ દ્વારા પોતાના હિત માટે રણ વિસ્તારમાં જમીનનું ખોદકામ, ગેરકાયદે માળખાં અને અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના કારણે લૂણી નદીના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભો થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નદીનો કુદરતી પ્રવાહ રોકાય અથવા તેની દિશામાં ફેરફાર થાય તો તેની અસર માત્ર એક વિસ્તાર પૂરતી મર્યાદિત રહેતી નથી. સમગ્ર જળચક્ર, જમીનની કુદરતી રચના અને રણના પર્યાવરણીય સંતુલન પર તેની અસર પડી શકે છે. 

NGTની તપાસમાં પણ ગેરકાયદે પ્રવૃત્તિઓનો પર્દાફાશ

આ મામલો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની વેસ્ટર્ન ઝોન બેન્ચ, પુણે સમક્ષ પહોંચ્યો હતો. કચ્છના નાના અને મોટા રણમાં ગેરકાયદે દબાણો, ભૂગર્ભજળના અનધિકૃત ઉપાડ, ખોદકામ અને લૂણી નદીના કુદરતી પ્રવાહને પુનઃસ્થાપિત કરવાના મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા.

અગાઉ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સંયુક્ત સમિતિ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના સાંતલપુર નજીક લૂણી નદીના પટ વિસ્તારમાં મીઠાના અગર અને મીઠું પકવવાના પાટાઓ જોવા મળ્યા હતા. તપાસ દરમિયાન એક ટ્યુબવેલ કાર્યરત હાલતમાં મળી આવ્યો હતો. આ ટ્યુબવેલ માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (CGWA)ની જરૂરી મંજૂરી લેવામાં આવી ન હોવાનું પણ સામે આવ્યું હતું.

આ અંગે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના વેસ્ટ સેન્ટ્રલના અધિકારીઓએ પાટણ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને પત્ર લખીને અનધિકૃત બોરવેલને સીલ કરવા સહિતની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. NGTની વેસ્ટર્ન ઝોન બેન્ચે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સ્ટેટસ રિપોર્ટનું અવલોકન કર્યું હતું. તેમાં લૂણી નદીના પટ સહિત કચ્છના રણ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે દબાણો, બાંધકામો અને પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં ખારા અને અર્ધખારા ભૂગર્ભજળનો ઉપાડ કરવા માટે ઇલેક્ટ્રિક પંપ લગાવવામાં આવ્યા હોવાનું અને આ પંપ વીજળીના ગ્રીડ સાથે જોડાયેલા હોવાનું પણ નોંધાયું હતું. આ પ્રવૃત્તિઓ માટે CGWAની જરૂરી મંજૂરી લેવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું.

NGTનો આદેશ, પરંતુ જમીન પર અમલ કેટલો?

આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને NGTએ પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરોને ગેરકાયદે દબાણો દૂર કરવા અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. બંને જિલ્લાના સત્તાધિકારીઓએ હુકમ અપલોડ થયાની તારીખથી છ મહિનાની અંદર કાર્યવાહીનો અહેવાલ ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કરવાનો રહેશે.

પરંતુ હવે સવાલ એ છે કે NGTના આદેશ બાદ પણ જો ગેરકાયદે ટ્યુબવેલ ધમધમતા હોવાના આક્ષેપો છે તો અત્યાર સુધી કેટલા ટ્યુબવેલ સીલ કરવામાં આવ્યા? કેટલાં વીજ જોડાણો કાપવામાં આવ્યાં? કેટલા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી? 

300 મૂળ અગરિયાઓની આજીવિકા સામે 1200થી વધુ ગેરકાયદે ટ્યુબવેલનો આક્ષેપ માત્ર આંકડાકીય વિસંગતતા નથી. આ રણની જમીન, ભૂગર્ભજળ, નદીના કુદરતી પ્રવાહ અને પર્યાવરણના અસ્તિત્વનો પ્રશ્ન છે. પેઢીઓથી રણ સાથે જોડાયેલા અગરિયાઓના હિતોનું રક્ષણ કરવું અને કુદરતી સંપત્તિનું સંરક્ષણ કરવું સરકારી તંત્રની જવાબદારી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત